રાજકોટમાં ‘હું પોલીસ છું’ કહીને રેસકોર્સ પાસે ₹૩૨ લાખની લૂંટ, વેપારીને એક કલાક સુધી ગોંધી રાખી માર માર્યો

રાજકોટ: શહેરના પોશ વિસ્તાર ગણાતા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા રેસકોર્સ ગ્રાઉન્ડના લવ ગાર્ડન પાસે બપોરના સમયે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ચાર અજાણ્યા શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી એક વેપારી પાસેથી રૂ. ૩૨ લાખ રોકડા ભરેલો થેલો લૂંટી લીધો હતો. લૂંટારાઓએ વેપારીને માર મારીને એક કલાક સુધી ગોંધી રાખીને પૈસા આપનાર વ્યક્તિને પણ બોલાવવાનું દબાણ કર્યું હતું.
પૈસા લેવા ગયેલા વેપારી સાથે લૂંટ
શહીદ સુખદેવ ટાઉનશીપમાં રહેતા અને એગ્રીકલ્ચર પ્રોડક્ટનો કમિશન વેપાર કરતા સમીરભાઈ રશ્મીકાંતભાઈ પંડ્યા (ઉ.વ. ૫૦) એ પ્રહલાદનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું કે, તેમણે કોટન ગાંસડીની ખરીદી માટે એકતા એન્ટરપ્રાઇઝના શૈલેષભાઈ મનસુખભાઈ દલસાણીયાને રૂ. ૩૨ લાખ આપ્યા હતા, પરંતુ ભાવ ન મળતા ખરીદી થઈ ન હતી. આ રકમ પરત લેવા માટે શૈલેષભાઈના કહેવા મુજબ, સમીરભાઈ ૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ પોતાનું એક્ટિવા લઈને રેસકોર્સ લવ ગાર્ડન પાસે પહોંચ્યા હતા.
પોલીસના સ્વાંગમાં આવ્યા લૂંટારૂઓ
શૈલેષભાઈના કહેવા મુજબ, ત્યાં ઊભેલી કિયા કાર પાસેથી સમીરભાઈને પૈસા ભરેલો થેલો મળ્યો. એટલી જ વારમાં, સફેદ કલરના એક્સેસ મોટરસાઇકલ પર બે શખ્સો અને બીજા એક મોટરસાઇકલ પર અન્ય બે અજાણ્યા શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. એક્સેસ પર આવેલા એક વ્યક્તિએ સમીરભાઈને પોલીસ તરીકેની ઓળખાણ આપી હતી અને તેમનો કાટલો પકડી, ગાળો બોલી, થપ્પડ મારીને રૂ. ૩૨ લાખ ભરેલો થેલો લૂંટી લીધો હતો.
વેપારીને ગોંધી રાખી માર માર્યો
લૂંટારાઓએ થેલો અન્ય બે અજાણ્યા શખ્સોને આપી દીધો, જેઓ તુરંત જ ભાગી ગયા. ત્યારબાદ પોલીસ તરીકે ઓળખાવનાર શખ્સે સમીરભાઈને ધમકાવી તેમના બંને મોબાઈલ ફોન ઝૂંટવી લીધા અને તેમનું એક્ટિવા ચેક કરવાની માંગ કરી. સમીરભાઈએ જ્યારે તેમને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહ્યું, ત્યારે તે શખ્સ ઉશ્કેરાઈ ગયો અને પોતાનું નામ શાહબાઝ મોટાણી હોવાનું જણાવી પોલીસ જ હોવાનો દાવો કર્યો. તેણે સમીરભાઈને જેમ ફાવે તેમ ગાળો આપી અને એક કલાક સુધી ત્યાંથી જવા દીધો નહોતો.
લૂંટારૂઓએ સમીરભાઈને બળજબરીથી એક્ટિવા પર બેસાડીને રેસકોર્સમાં મહિલા ગાર્ડન પાસે લઈ જઈને ત્યાં પણ અડધો કલાક ગોંધી રાખ્યા હતા. સમીરભાઈના જણાવ્યા મુજબ, લૂંટારૂઓએ તેમને ધમકાવીને કહ્યું કે, “તમે પૈસા આપવાવાળા માણસને બોલાવો અને વધારાના પૈસા અપાવો, નહીં તો અમે તમને જવા નહીં દઈએ.”
આખરે, લૂંટારૂઓએ સમીરભાઈના મોબાઈલ ફોન પરત કર્યા અને ‘જ્યાં જવું હોય ત્યાં જાઓ’ કહીને ફરાર થઈ ગયા હતા. સમીરભાઈ પંડ્યાએ આ સમગ્ર ઘટના અંગે પ્ર. નગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોલીસના સ્વાંગમાં લૂંટ ચલાવનાર આ શખ્સોને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો…જૂનાગઢમાં નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર સાથે સંબંધ બાંધીને 40 લાખ ખંખેરી લેવાયા