Top Newsરાજકોટ

સોશિયલ મીડિયા લવસ્ટોરીનો કરૂણ અંતઃ રાજકોટમાં પ્રેમલગ્નના ચાર વર્ષમાં પતિએ કરી પત્ની હત્યા

રાજકોટઃ શહેરમાં વધુ એક પતિએ તેની પત્નીની હત્યા કરી હતી. થોરાળા પોલીસ મથક વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના ત્રણ માળિયા ક્વાર્ટરમાં ઘટના બની હતી. નીલેશ્વરી નામની પરિણીતાને તેના પતિ યોગેશ બોરીચાએ છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. પોલીસે પોલીસે આરોપી યોગેશ બોરીચાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

શું છે સમગ્ર મામલો

મળતી વિગત પ્રમાણે, મૃતકના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા અને અમદાવાદની રહેવાસી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા. ધીમે ધીમે શરૂ થયેલી વાતચીત પ્રેમસંબંધમાં પરિણમી હતી. જે બાદ બંનેના પરિવારજનોની મંજૂરીથી લગ્ન થયા હતા. લગ્નના થોડા મહિના સુધી બંને વચ્ચે બધું બરાબર ચાલ્યું હતું અને બાદમાં નાની નાની વાતમાં ઝઘડા શરૂ થયા હતા.

ઘટના બાદ પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, યોગેશ બોરીચા કોઈ કામ ધંધો કરતો નહોતો અને તેને નશો કરવાની પણ ટેવ હતી. આર્થિક સંકડામણના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા. ઘરકંકાસથી કંટાળીને મૃતક બનાવના ચાર-પાંચ દિવસ પહેલા પતિનું ઘર છોડીને તેની બહેનપણીના ઘરે રહેવા જતી રહી હતી.

ગઈકાલે યોગેશ બોરીચા તેની પત્ની જ્યાં રોકાઈ હતી ત્યાં પહોંચ્યો હતો અને બોલાચાલી શરૂ કરી હતી. થોડી જ વારમાં ઝઘડાએ ગંભીર રૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા પતિએ તેની પાસે રહેલી છરી કાઢીને પાંચ જેટલા ઘા પત્નીને ઝીંકી દીધા હતા. જેના કારણે લોહીલુહાણ થઈને ત્યાં જ ફસડાઈ પડી હતી. આ બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

ઘટના બાદ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસે આરોપી પતિ સામે હત્યાનો ગુનો દાખલ કરી તેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

રાજકોટમાં ગત મહિને પણ પતિએ કરી હતી પત્ની હત્યા

ઉલ્લેખનીય છે કે ગત મહિને રાજકોટમાં કોપર ગ્રીન સોસાયટી પાસે આવેલી વેરાન જગ્યામાં એક 33 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્નેહા આસોડિયા નામની આ 33 વર્ષીય મહિલાનાં પતિ હિતેષે તે સમયે જણાવ્યું હતું કે પત્ની ઘરેથી પાણીપુરી ખાવા જવાનું કહીને નીકળી હતી, પરંતુ પરત આવી ન હતી. આ મૃતદેહ મળ્યા બાદ રાજકોટ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. પોલીસે ખુલાસો કરતા જણાવ્યું હતું કે મહિલાનો હત્યારો તેનો પતિ હિતેષ જ હતો. તેણે ઘરકંકાસથી કંટાળી પત્નીની હત્યા કરવાની કબૂલાત કરી હોવાનું પણ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું.

સ્નેહા અને હિતેષના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને તેમને એક પુત્ર પણ છે. બન્ને વચ્ચે લગ્નની શરૂઆતના મહિનાઓથી જ મનમેળ ન હતો અને ઝગડા ચાલતા હતા. હિતેષના આરોપો અનુસાર સ્નેહા તેના પર સતત શક કરતી, તેને સતત ફોન અને વીડિયોકોલ કરતી, તેમ જ નાની નાની બાબતોએ અપમાનિત પણ કરતી હતી. આ સાથે તેમના પુત્રનું પણ ધ્યાન રાખતી ન હતી જેથી હિતેષ રોજ તેમના પુત્રને તેના માતા-પિતાના ઘરે મૂકી આવતો અને કામથી આવતા સમયે પરત લાવતો હતો.

આ બધાથી કંટાળી લુહારકામ કરતા હિતેષે ઘટનાના દિવસે પોતાની સાથે એક લોઢાનો સળિયો લીધો હતો અને પત્નીને તેની સાથે બહાર જમવા આવવા કહ્યું હતું. પોતાના ઘરથી 200 મીટર દૂર જઈ એક અવાવરૂં જગ્યાએ સ્કૂટી રોકી તે ફ્રેશ થવાના બહાને ઉતર્યો હતો અને લોખંડના સળિયાથી પત્નીને માથાના પાછળના ભાગે અને ચહેરા પર ઘા મારી પતાવી દીધી હતી.

આપણ વાંચો:  “ગુજરાતમાં સરકાર નહીં, સર્કસ ચાલી રહ્યું છે”: ચૈતર વસાવાનો સત્તા પક્ષ પર આકરો પ્રહાર!

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button