
રાજકોટઃ રાજ્યમાં વધુ એક શહેરમાં ‘સૂર્યકિરણ’ એરોબેટિક ટીમનો જબરદસ્ત એર શો યોજાશે. મળતી વિગત પ્રમાણે, 7 ડિસેમ્બરના રોજ રાજકોટવાસીઓને એક અદભૂત અને સાહસિક હવાઈ પ્રદર્શન જોવાનો મોકો મળશે. આ એર શોમાં ભારતીય વાયુસેનાની પ્રખ્યાત ‘સૂર્યકિરણ’ ટીમ દ્વારા રાજકોટના આકાશમાં અવનવા અને રોમાંચક સ્ટન્ટ રજૂ કરવામાં આવશે. આ એર શોનો મુખ્ય ઉદ્દેશ બાળકો અને યુવાનોને ભારતની સશસ્ત્ર સેનાઓ (આર્મી, નેવી, એરફોર્સ)માં જોડાવવા માટે પ્રેરણા આપવાનો છે.
સૂર્યકિરણ ટીમે આ પહેલા પણ ગુજરાતમાં શૌર્ય બતાવ્યું છે. તાજેતરમાં 31 ઓક્ટોબરે સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી વખતે કેવડિયાના આકાશમાં ટીમે અદ્ભુત શૌર્ય પ્રદર્શન કર્યું હતું. આ પહેલાં મહેસાણામાં પણ ઇતિહાસમાં પહેલીવાર ‘સૂર્યકિરણ’ એરોબેટિક એર શો યોજાયો હતો, જ્યાં વિમાનોએ ચોકસાઈના રંગો આકાશમાં પાથરી લોકોનાં દિલ જીતી લીધાં હતાં.
SKAT ટીમનું પ્રદર્શન અને વિશેષતાઓ
૧૯૯૬માં રચાયેલી SKAT એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે, જે “સર્વદા સર્વોત્તમ”ના સૂત્ર સાથે શ્રેષ્ઠતા અને શિસ્તનું પ્રતીક છે. અત્યાર સુધીમાં ટીમે ભારત સહિત ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAEમાં ૭૦૦ થી વધુ પ્રદર્શનો કરી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે. આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વડોદરા, જામનગર, નલિયા અને ભુજમાં યોજાયેલા SKAT શોએ ગુજરાતીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.
ભારતીય વાયુસેનાની SKAT ટીમના નવ હોક Mk132 વિમાનોએ મહેસાણાના અવકાશમાં પોતાના સશક્ત કરતબો રજૂ કર્યા હતા. આ વિમાનોએ SKAT ટીમના સિગ્નેચર ફોર્મેટ સ્ટંટ ડાયમંડ, ભારતના વિશ્વવિખ્યાત સ્વદેશી તેજસ વિમાનની આકૃતિ સહિત લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ, ઇન્વર્ટેડ ફોર્મેશન ડીએનએ, એ અને વાય જેવા દિલધડક સ્ટંટ દર્શકોએ નિહાળ્યા હતા.
સૂર્યકિરણ એરોબેટિક ટીમના પાયલટ્સ ૫ મીટરથી ઓછા અંતરે વિમાનો ઉડાડીને અદ્ભુત કરતબો રજૂ કર્યા હતા, જેમાં ચોકસાઈ, શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન જોવા મળ્યું હતું. ભારતીય વાયુ સેનાના જાંબાઝ નવ વિમાનોએ મહેસાણાના આકાશને તિરંગાના રંગથી રંગ્યા. આ રંગ જેમાં કેસરી રંગ આધ્યાત્મ અને શુધ્ધતા, સફેદ રંગ શાંતિ અને સત્ય, લીલો રંગ ઉત્પાદકતા અને ચક્ર ન્યાય તથા અધિકારોનું પ્રતીક મનાય છે, તેને મહેસાણાના નગરજનોએ ‘એક રાષ્ટ્ર, સર્વશ્રેષ્ઠ રાષ્ટ્ર’ ભાવ સાથે આવકાર્યા હતા.
આ પણ વાંચો…દિલધડક કરતબોથી મહેસાણા ધણધણ્યું: ‘સૂર્યકિરણ’ ટીમે ઉત્તર ગુજરાતના આકાશમાં રોમાંચ સર્જ્યો



