રાજકોટઃ મનસુખ સાગઠિયાની કેટલા કરોડની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી? આંકડો જાણીને ચોંકી જશો

રાજકોટઃ ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. આ ઉપરાંત તેની 21.61 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી.રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા દાખલ કરવામાં આવેલી FIRના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ FIRમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા સાગઠિયાએ 1 એપ્રિલ, 2012 થી 31 મે, 2024 સુધીના સમયગાળા દરમિયાન ₹24.31 કરોડની અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી હતી.
ED અનુસાર, સાગઠિયાએ 27 ફેબ્રુઆરી, 2015, અને 27 જૂન, 2022ની વચ્ચે રાજકોટ હેડ પોસ્ટ ઓફિસમાં તેમના પુત્ર, કેયુર મનસુખભાઈ સાગઠિયા, અને તેમની પત્ની, ભાવનાબેન મનસુખભાઈ સાગઠિયાના નામે અનેક રિકરિંગ ડિપોઝિટ (RD) ખાતાઓ જાળવી રાખ્યા હતા. આ ખાતાઓના સ્ટેટમેન્ટ્સ દર્શાવે છે કે તેમાં નિયમિતપણે રોકડ જમા કરવામાં આવી હતી, અને પછીથી બંધ કરેલી રકમનો ઉપયોગ સ્થાવર મિલકતો ખરીદવા માટે કરવામાં આવ્યો હતો.
વધુ તપાસમાં બહાર આવ્યું કે સાગઠિયાએ લાંચ પેટે મેળવેલી રકમનું અનેક સ્થાવર અને જંગમ મિલકતોમાં રોકાણ કર્યું હતું. કથિત રીતે તેમના નામે અને તેમની પત્ની તથા પુત્રના નામે ખોલવામાં આવેલા મલ્ટી બેંક એકાઉન્ટનો ઉપયોગ ગેરકાયદેસર ભંડોળને ‘લોન્ડર’ કરવા માટે કરવામાં આવ્યો હતો.
અત્યાર સુધીમાં, EDએ PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ)ની કલમ 5 હેઠળ ₹21.61 કરોડની અપરાધમાંથી મેળવેલી રકમ ઓળખીને તેને જપ્ત કરી છે. જપ્ત કરાયેલી સંપત્તિઓમાં રોકડ, સોનું, હીરા, ચાંદીના દાગીના, વિદેશી ચલણ, લક્ઝરી ઘડિયાળો અને વિવિધ સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. આ જપ્તી 29 એપ્રિલ, 2025ના રોજ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં 25 મે 2024ના રોજ એક ભયાનક અગ્નિકાંડ બન્યો હતો. આ દુર્ઘટનામાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં 12 બાળકો પણ સામેલ હતા. આ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો અને સુરક્ષાના નિયમોના ગંભીર ઉલ્લંઘન પર સવાલો ઊભા કર્યા હતા. ટીપીઓ મનસુખ સાગઠિયાને ગેમ ઝોન માટે મંજૂરી આપી હતી.
આ પણ વાંચો…ગુજરાત સહિત 10 રાજ્યમાં EDના દરોડાથી શિક્ષણ ક્ષેત્રમાં કેમ મચી ગયો ખળભળાટ?



