રાજકોટમાં ફરી હાઇ કોર્ટની બેન્ચની માંગ: વકીલોએ ભાજપના નેતાઓને કરી રજૂઆત | મુંબઈ સમાચાર
રાજકોટ

રાજકોટમાં ફરી હાઇ કોર્ટની બેન્ચની માંગ: વકીલોએ ભાજપના નેતાઓને કરી રજૂઆત

રાજકોટઃ શહેરમાં હાઇ કોર્ટની બેન્ચ ફરીથી શરૂ કરવાની માંગ ઉઠી હતી. છેલ્લા 15 દિવસથી વકીલો આ માટે પ્રયાસ કરી રહ્યા છે, અને આ રજૂઆતના ભાગરૂપે ભાજપના લીગલ સેલના વકીલોએ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે શહેર ભાજપ પ્રમુખ, સાંસદો અને ધારાસભ્યોને લેખિતમાં રજૂઆત કરી હતી.

ભાજપ લીગલ સેલના વકીલો એકઠા થઈને ભાજપના નેતાઓને લેખિતમાં રજૂઆત કરી અને સરકાર સુધી આ માંગ પહોંચાડવા વિનંતી કરી હતી. નેતાઓએ આ માંગણી પ્રત્યે હકારાત્મક વલણ દર્શાવ્યું હતું અને વકીલોને તેઓ આ રજૂઆત સરકાર સમક્ષ મૂકશે તેવી ખાતરી આપી હતી.

આપણ વાંચો: ‘રાજકીય લડાઈ માટે EDનો ઉપયોગ કેમ થઇ રહ્યો છે?’ સુપ્રીમ કોર્ટની 2 કેસમાં EDને ફટકાર લગાવી

સૌરાષ્ટ્રને હાઇ કોર્ટની બેન્ચ આપવાની કેમ ઉઠા માંગ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્રને હાઇ કોર્ટની બેન્ચ આપવાની આ માંગ 1983થી ચાલી રહી છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને તેમના ઘરઆંગણે જ ઝડપી અને સસ્તો ન્યાય મળે તે છે. આ માંગણી પાછળનું મુખ્ય કારણ સૌરાષ્ટ્ર-કચ્છના લોકોની મુશ્કેલીઓ દૂર કરવાનું છે.

હાલમાં ઓખા, પોરબંદર, દ્વારકા, સોમનાથ, અમરેલી અને ઉના જેવા વિસ્તારોમાંથી આવતા લોકોને ન્યાય માટે અમદાવાદના ધક્કા ખાવા પડે છે. આ અંતર 400 કિલોમીટરથી પણ વધુ હોય છે, જેના કારણે લોકોને સમય અને પૈસા બંનેનો બગાડ થાય છે. રાજકોટમાં બેન્ચ શરૂ થવાથી આ બધા લોકોને સમયસર ન્યાય મળી શકશે.

રવિવારે સૌરાષ્ટ્ર અને કચ્છના 80થી વધુ બાર એસોસિએશનના હોદ્દેદારો રાજકોટ આવશે. તેઓ કાલાવડ રોડ પર આવેલી આત્મીય યુનિવર્સિટી ખાતે એક બેઠક યોજીને આ લડતને વધુ મજબૂત બનાવવા માટેની રણનીતિ ઘડશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button