રાજકોટમાં ‘ફરજિયાત હેલ્મેટ’ ડ્રાઈવ મુદ્દે સ્થાનિકોનો વિરોધઃ કોંગ્રેસ અને ‘આપ’એ ઝંપલાવ્યું

રાજકોટઃ શહેરમાં આજથી ફરજિયાત હેલ્મેટનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. કાયદાના અમલીકરણ માટે સરકારે 48 સ્થળ પર સવારથી જ દંડનીય કાર્યવાહી કરી હતી. કેટલાક વાહન ચાલકોએ પણ હેલ્મેટના કાયદાનો વિરોધ કર્યો હતો.
પ્રથમ દિવસે જ આશરે 3000 જેટલા વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ લોકોએ રસ્તા માટે હેલ્મેટનો ભર્યો દંડ તો કેટલીક જગ્યાએ લોકોએ હેલ્મેટના કાયદાનો અને દંડનો વિરોધ કર્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા આગામી દિવસો સુધી દરરોજ હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવશે.
આપણ વાંચો: રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત નહીંઃ પૂર્વ પ્રધાન ગોવિંદ પટેલે મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર
પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ
ફરજિયાત હેલ્મેટના કાયદાનો કોંગ્રેસ માધાપર ચોકડીએ વિરોધ કરે તે પહેલા પોલીસે અટકાયત કરી હતી. પોલીસે સાથે ઘર્ષણ સમયે કોંગ્રેસના નેતા રોહિતસિંહે કહ્યું ૫૦૦ પોલીસ કર્મી જો હેલ્મેટના અમલીકરણ માટે ઉતારે તેના કરતા રાજકોટમા દારૂ,જુગારના અડ્ડાઓ રેડ માટે ઉતારો !શહેરમાં એક રોડની સ્થિતિ યોગ્ય નથીને કોંગ્રેસ હેલમેટના નામે લોકોને લુટાવા નહીં દઈશું.
માધાપર ચોકડીએ પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાતાં હેલ્મેટ વિરોધી નારાથી ગુંજી ઉઠી હતી, જ્યારે વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યારે લોકોએ પોલીસને વખોડી હતી.
આ દરમિયાન કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, પોલીસ ભારતીય જનતા પક્ષના કાર્યકર તરીકે કામ કરી રહી છે લોકો ખરાબ રસ્તાનો ભોગ બની રહ્યા છે. રસ્તા ઉપર ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતા અકસ્માતો થયા છે અને તેમાં ભાઈઓ, બહેનો અને બાળકોનો ભોગ લેવાયો છે.
માધાપર ચોકડીએ વિરોધ કરવા માટે પોલીસ પાસે પરમિશન માગી હતી પરંતુ પોલીસ ભાજપના કાર્યકર તરીકે કામ કરી રહી હોવાથી પરમિશન આપવામાં ન આવી અને અત્યારે અમારી અટકાયત કરવામાં આવી હતી.
આપણ વાંચો: બે લડતા સાંઢનો વાયરલ વીડિયોઃ યુવતીની હિંમતને દાદ, પણ હેલ્મેટ પહેરવું જરૂરી
આમ આદમી પાર્ટીએ પણ કર્યો સૂત્રોચ્ચાર
શહેરના રૈયા ચોકડી ખાતેથી ફરજિયાત હેલ્મેટના કાયદાના વિરોધમાં ‘આમ આદમી પાર્ટી’ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી શરૂ થાય તે પૂર્વે પોલીસે પાર્ટીના કાર્યકરો અને આગેવાનોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. ઘટના દરમિયાન, “જબ જબ ભાજપ ડરતી હૈ, પુલિસ કો આગે કરતી હૈ”ના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.