રાજકોટ સિવિલ હોસ્પિટલમાં યોજાયેલી બેઠકમાં આરોગ્ય કમિશનરે સત્તાધિશોને બરાબરના ખખડાવ્યા | મુંબઈ સમાચાર
રાજકોટ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં યોજાયેલી બેઠકમાં આરોગ્ય કમિશનરે સત્તાધિશોને બરાબરના ખખડાવ્યા

રાજકોટ: આરોગ્ય કમિશનર ડો. હર્ષદ પટેલ રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસદ સભ્ય રામભાઈ મોકરિયા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સિવિલ અધિક્ષક અને મેડિકલ કોલેજના ડીન ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન, આરોગ્ય કમિશનરે હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તે ઉપરાંત તેમણે હોસ્પિટલના સત્તાધિશોને ખખડાવ્યા હતા.

મળતી વિગતો અનુસાર આરોગ્ય કમિશનર ડો. હર્ષદ પટેલે બેઠકમાં હોસ્પિટલની વહીવટી પ્રક્રિયા સહિતની વ્યવસ્થાને લઈને આકરા સવાલો કર્યા હતા. તેમજ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ સહિતના તબીબી અધિકારીઓને ખખડાવતા કહ્યું હતું કે, આટલી મોટી હોસ્પિટલ ચલાવવા માટે બેસાડ્યા છે અને સત્તા આપવામાં આવી છે તો તેનો ઉપયોગ કરવાની બદલે દરેક નાના મોટા નિર્ણય લેવા સહિતની બાબતે ગાંધીનગર કાગળ શું કામ લખો છો ? જો તમારા લેવલના નિર્ણયો પણ અમારે લેવાના હોય તો તમને શા માટે બેસાડ્યા છે, આ તમારા લોકોનું ઇન્ડીક્યૂટિવ બીહેવીયર હોવાનું કહી એમ પણ કહ્યું હતું કે, જો આવું જ રહ્યું તો અમારે બીજા માણસો બેસાડવા પડશે અને બદલવા પડશે.

આ ઉપરાંત હાલ ચર્ચાનો વિષય બનેલા દવાની ખરીદી બાબતે આરોગ્ય કમિશનરે પૂછતાં 20.47 કરોડની દવાની ખરીદી કરવામાં આવી હોવાનું સામે આવતા કમિશનર વધુ ભડક્યા હતા.તેમને કહ્યું હતું કે, જીએમસીએસએલમાંથી જે દવા ન આવતી હોય તે બહારથી ઇમર્જન્સીમાં વધુ પૈસા આપી બજારમાંથી ખરીદી કરવી પડે એ સ્વાભાવિક બાબત છે પરંતુ પાંચ ગણા ભાવે ખરીદી કરવી એ પણ યોગ્ય નથી કહી 20.47 કરોડની દવાની ખરીદીના બિલ માગ્યા હતા અને ઓડિટ કરવા માટેની સૂચના આપી હતી. જવાબદારો બિલની પ્રિન્ટ કાઢી નથી લાવ્યા હોવાનું કહેતા જ કમિશનરે ઉધડો લીધો હતો.

આ પણ વાંચો…રાજકોટનો લોકમેળો ‘શૌર્યનું સિંદૂર’ બન્યો કલેક્ટર તંત્ર માટે ‘નફાનું સિંદૂર’, 50 લાખથી વધુનો નફો થયો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button