રાજકોટમાં હર્ષ સંઘવીએ ઉદ્યોગકારો સાથે બેઠક યોજીઃ રૂ. 956 કરોડની સહાયનું વિતરણ કરાયું…

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ વાયબ્રન્ટ સમિટ 11 અને 12 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં યોજાવા જઈ રહી છે ત્યારે અહીં પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓની મુલાકાતો વધી રહી છે. સોમવારે નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે આવ્યા હતા.
અહીં તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજ્યના નાના-મોટા ઉદ્યોગકારોની મુશ્કેલીઓ, પ્રશ્નો અને રજૂઆતોનો તત્કાલ હલ કરીને તેઓ વધુ રોકાણ કરીને ઉદ્યોગ-ધંધાનો વિકાસ કરી શકે તે માટે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ સાથે તમામ વિભાગો સાથે ગ્રુપ બેઠક પણ યોજવામાં આવી હતી.
તેમણે કહ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રાજકોટ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન છે અને આગામી દિવસોમાં દેશ અને દુનિયામાંથી વધુ રોકાણ આવી શકે તે માટે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૧૧મી જાન્યુઆરીએ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરવામાં આવશે તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારની વિવિધ ઔદ્યોગિક નીતિઓ અંતર્ગત રાજ્યના ૧૦, ૪૩૫ ઉદ્યોગકારોને રૂ. ૯૫૬.૫૧ કરોડની પ્રોત્સાહક સહાયનું રાજકોટથી વિતરણ કરવામાં આવ્યું છે.
ટેક્સટાઇલ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણ ઔદ્યોગિક માળખાકીય સુવિધાની યોજના, લઘુ ઉદ્યોગો અંગેની યોજના વગેરે જેવી યોજનાઓ હેઠળ સૌરાષ્ટ્ર કચ્છના ૧૩૭ ઉદ્યોગકારોને કુલ રૂપિયા ૬૬૧.૭૩ કરોડની રકમના મંજૂરીપત્રોનું વિતરણ અહીંથી કરવામાં આવનાર છે. દેશમાં ગુજરાત એ સૌથી ઝડપથી ઇન્સેન્ટિવ આપતું રાજ્ય છે. આ કામગીરી વધુ ઝડપથી થઈ શકે તે માટે ઉદ્યોગ વિભાગ દ્વારા દિવસ-રાત કાર્ય કરવામાં આવતું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો…ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે બાળકો બીમાર પડવા મુદ્દે હર્ષ સંઘવીએ શું કહ્યું ?



