સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડેમિક કાઉન્સિલની અડધોઅડધ જગ્યાઓ ખાલી!

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત વિવાદોનું કેન્દ્ર બનીને સમાચારોમાં છવાયેલી રહે છે. ધીમી અને ઢીલી કામગીરી, પરિણામો અને પરીક્ષામાં વિલંબ સહિતના અનેક મુદ્દે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન રહે છે. ત્યારે આજે વિધાનસભામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંજૂર મહેકમને સ્થાને કેટલી જગ્યાઓ ખાલી પડી છે તે અંગે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રશ્ન કર્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ 31 જુલાઇ 2025ની સ્થિતિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળની બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડેમિક કાઉન્સિલનું સંવર્ગવાર મંજૂર મહેકમ અંગે વિધાનસભામાં પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કુલ 18 સભ્યોનું મહેકમ છે, જ્યારે એકેડેમિક કાઉન્સિલમાં કુલ 118 સભ્યોનું મંજૂર મહેકમ થયેલું છે.
જો કે યુનિવર્સિટીના મંજૂર મહેકમ પૈકી ખાલી પડેલી જગ્યાઓ અંગેના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કુલ 10 જગ્યાઓ ખાલી છે. આ 10 જગ્યાઓ પૈકી 8 જગ્યાઓ ફેબ્રુઆરી 2024થી, 2 જગ્યાઓ જુલાઇ 2024થી તેમજ અન્ય 2 જગ્યાઓ ડિસેમ્બર 2024થી ખાલી પડેલી છે. તે ઉપરાંત એકેડેમિક કાઉન્સિલની 45 જગ્યાઓ ડિસેમ્બર 2024થી ખાલી પડેલી છે.
જગ્યાઓ ખાલી પડી રહેવાના કારણ અંગે સરકારે જવાબમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી ટીચર્સની નિમણૂક એડીશનલ ક્રાઇટેરિયા ધ્યાને લેવા માટે સ્ક્રુટીની કમિટીનો અહેવાલ ન મળવાને કારણે આ જગ્યાઓ ખાલી પડી છે. જો કે સરકારે ટૂંક સમયમાં જ આ જગ્યાઓ ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટને કેન્દ્રીય સતામંડળ તરીકે ઓળખવામાં આવે છે. આ કેન્દ્રીય સતામંડળનો યુનિવર્સિટીનાં હિતમાં તમામ નિર્ણયો લેવાના હોય છે. રાજય સરકારે નવા યુનિવર્સિટી કોમન એક્ટ મુજબ બોર્ડ ઓફ મેનેજમેન્માં કુલ 16 સભ્યોની નિયુક્તિ કરવાની હોય છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 10 જગ્યાઓ એક વર્ષથી ખાલી પડી છે.
આ પણ વાંચો….સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિસરમાં વિરોધ પ્રદર્શન: NSUI અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ગેટનો કાચ તૂટ્યો