રાજકોટની 15 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઇ કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી

રાજકોટઃ શહેરની દુષ્કર્મ પીડિતા 15 વર્ષીય સગીરાના 25 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઇ કોર્ટમાં તેના માતા- પિતા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેને પગલે હાઇ કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી હતી. મેડિકલ અહેવાલ મુજબ કોઈ ગંભીર લક્ષણો નહીં, ગર્ભપાત શક્ય છે તેમ જણાવ્યું હતું.
આ સંદર્ભે હાઇ કોર્ટે રાજકોટની પીડીયુ હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના નિર્દેશ આપ્યા હતાં. જેનો હેતુ સગીરાનો ગર્ભપાત શક્ય છે કે કેમ? તેમાં કોઈ એબનોર્માલિટી છે કે કેમ? તેમાં જોખમ છે તો કેટલું છે? તે જાણવાનો હતો.
માતા પિતાએ શું અરજી કરી હતી
સગીરાના માતા પિતાએ ગર્ભપાત માટે અરજી કરી હતી. સગીર શારીરિક અને માનસિક રીતે ગર્ભ રાખવા, બાળકને જન્મ આપવા જે તેના નિભાવ માટે સક્ષમ નથી. આવા કેસોમાં કાયદા અનુસાર 24 સપ્તાહના ગર્ભના ગર્ભપાત સુધી સામાન્ય સંજોગોમાં મંજૂરી અપાતી હોય છે.
સગીરાને છે 25 સપ્તાહનો ગર્ભ
મેડિકલ રીપોર્ટ મુજબ સગીરાને 25 સપ્તાહનો ગર્ભ છે. તેમજ તેને કોઈ ગંભીર લક્ષણો નથી અને ગર્ભપાત શક્ય છે. જેથી આગળની કાર્યવાહી કરી શકાય તેમ છે. 24 સપ્તાહ પછીના ગર્ભનો ગર્ભપાત સ્ત્રીના શરીરને અસર કરે છે. હાઇ કોર્ટે ડોક્ટરોને સગીરા સાથે વાત કરી, તેની સહમતિ મેળવી ગર્ભપાત કરવા નિર્દેશ આપ્યા હતા.
હાઇ કોર્ટે શું આપ્યો નિર્દેશ
સગીરાની ગર્ભપાત પહેલા અને પછી યોગ્ય સારવાર અને કાળજી રાખવા હાઇ કોર્ટે નિર્દેશ આપ્યા હતા. વધુમાં જો બાળક જીવિત જન્મે તો તેના સારવારની યોગ્ય કાળજી રાખવી, તેમજ કાયદા મુજબ આગળ કાર્યવાહી કરવી અને સગીરાના ગર્ભના પેશીના ડીએનએ આરોપી સામે ગુન્હો પુરવાર કરવા એફએસએલમાં મોકલી આપવા નિર્દેશ આપ્યા હતા.
આ પણ વાંચો…સુરત દુષ્કર્મ કેસમાં આસારામને ગુજરાત હાઇ કોર્ટે છ મહિનાના જામીન આપ્યા



