મુસાફરો માટે ખુશખબર: મુંબઈ-સૌરાષ્ટ્ર વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવાયા! જાણો શિડ્યુલ

રાજકોટ/મુંબઈ: આગામી દિવસો હોળી સહિતના તહેવાર તેમજ વેકેશનની શરૂઆત થવા જઈ રહી હો તે સમયે પશ્ચિમ રેલવેએ મુંબઈથી સૌરાષ્ટ્ર તરફની મુસાફરી કરનારા હજારો મુસાફરો માટે એક સારા સમાચાર આપ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી બે જોડી વીકલી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી દ્વારકા, રાજકોટ, સોમનાથ, જૂનાગઢ, ગીર, જામનગર તરફ મુસાફરી કરનારા પ્રવાસીઓને મોટી રાહત મળશે.
રેલવેના સત્તાવાર નિવેદન મુજબ, ઓખા–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ (09562) ના ફેરા ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી અને વળતી દિશામાં બાંદ્રા–ઓખા સ્પેશિયલ (09561) ના ફેરા ૨૫ માર્ચ ૨૦૨૬ સુધી કાર્યરત રાખવામાં આવશે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના અન્ય મહત્વના રૂટ પરની વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ (09018) ના ફેરા ૩૦ માર્ચ ૨૦૨૬ સુધી લંબાવવામાં આવ્યા છે. તેવી જ રીતે, બાંદ્રા–વેરાવળ સ્પેશિયલ (09017) ના ફેરા ૨૯ માર્ચ ૨૦૨૬ સુધી ચાલુ રહેશે. લાંબા અંતરની આ ટ્રેનોના સમયગાળામાં વધારો થવાથી ખાસ કરીને મુંબઈ અને સૌરાષ્ટ્ર વચ્ચે અવરજવર કરતા ધંધાર્થીઓ અને પ્રવાસીઓને ટિકિટ બુકિંગમાં સરળતા રહેશે.
તે ઉપરાંત રેલવે દ્વારા ટ્રેન નંબર 04828 બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી સાપ્તાહિક સ્પેશિયલ હવે 29 માર્ચ, 2026 સુધી અને વળતી ટ્રેન નંબર 04827 ભગત કી કોઠી-બાંદ્રા ટર્મિનસ 28 માર્ચ, 2026 સુધી કાર્યરત રહેશે. આ જ રીતે, બાંદ્રા ટર્મિનસ-અજમેર સાપ્તાહિક સ્પેશિયલ (09622) ના ફેરા 30 માર્ચ, 2026 સુધી અને અજમેર-બાંદ્રા ટર્મિનસ (09621) ના ફેરા 29 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, વલસાડ-હિસાર સાપ્તાહિક સ્પેશિયલ (04728) હવે 26 માર્ચ, 2026 સુધી દોડશે, જ્યારે હિસાર-વલસાડ ટર્મિનસ (04727) ને 25 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે.
આ સાથે જ રેલવે દ્વારા ઓખા–ભાવનગર–ઓખા એક્સપ્રેસ (19210/19209) ટ્રેનોમાં ચાર મહિના માટે એક વધારાનો થર્ડ એસી કોચ જોડવાનો નિર્ણય લીધો છે. આ વધારાની સુવિધા ઓખા તરફથી 6 ફેબ્રુઆરી 2026 થી 1 જૂન 2026 અને ભાવનગર તરફથી 5 ફેબ્રુઆરી 2026 થી 31 મે 2026 સુધી ઉપલબ્ધ રહેશે.
આપણ વાંચો: ભવનાથના ભાજપના લોકોએ જમીન દબાવી હોવાથી ભક્તોને મુશ્કેલી; ગોપાલ ઇટાલિયાના કરા પ્રહાર!



