રાજકોટ

ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર સામે રૂ. 52.59 લાખની ગેરરીતિ બદલ કાર્યવાહીનો આદેશ

કોટડા સાંગાણી: રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવેલી ગહન તપાસ બાદ કોટડા સાંગાણી ગ્રામ પંચાયતના તત્કાલિન ઉપસરપંચ અને ઇન્ચાર્જ સરપંચ અને ગોંડલના પૂર્વ ધારાસભ્યના પુત્ર ધવલભાઈ ચંદુભાઈ વઘાસિયા સામે રૂ. 52,59,200ની જંગી નાણાકીય ગેરરીતિ આચરવા બદલ ફોજદારી કાર્યવાહી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો.

તાલુકા વિકાસ અધિકારી અરજદારની ફરિયાદોના આધારે થયેલી તપાસના અંતે આ ફરિયાદ દાખલ કરી હતી. આ કૌભાંડમાં ખોટા સરકારી રેકોર્ડ ઊભા કરવા, સત્તાનો દુરુપયોગ કરવા અને છેતરપિંડી આચરવાના ગંભીર આક્ષેપો છે.

આપણ વાચો: …તો બાર અને પબવાળા સામે થશે ફોજદારી કાર્યવાહીઃ ફડણવીસ

જિલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ થયેલી તપાસમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની ગેરરીતિઓ સામે આવી છે. પ્રથમ, ગ્રામ પંચાયત દ્વારા 08/03/2022ના રોજ કરવામાં આવેલો ‘ફરતો ઠરાવ’ મિનિટ્સ બુકમાં નોંધાયેલો ન હોવાથી અને તેમાં સભાસદોની સહીઓ જુદી જણાતા તેને નિયમ વિરુદ્ધ ઠેરવવામાં આવ્યો છે.

બીજું, 15/08/2020 અને 26/01/2021 ની રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મામલતદાર કચેરી દ્વારા ખર્ચ ચૂકવાયો હોવા છતાં, પંચાયત દ્વારા મંડપ અને સાઉન્ડ સિસ્ટમના બિલ પેટે રૂ. 15,800નું ડબલ ચૂકવણું કરીને નાણાકીય ગેરરીતિ આચરવામાં આવી હતી.

આપણ વાચો: બેંગલુરુ સ્ટેમ્પેડ: RCB સામે ફોજદારી કેસ, પોલીસ અધિકારી પર પણ કાર્યવાહી

સૌથી ગંભીર ગેરરીતિઓમાં વિકાસના કામોમાં મોટું કૌભાંડ જણાયું હતું. 14મા નાણાપંચના વિકાસના 11 કામોમાં કુલ રૂ. 47,43,400 ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા અપાયા ન હોય તેવા નકલી પ્રમાણપત્રો રજૂ કરીને ખોટા સરકારી રેકોર્ડના આધારે નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, એટીવીટી ગ્રાન્ટ હેઠળ મંજૂર કરાયેલા સીસી રોડ પૈકી માત્ર 112 ચો.મી.નું જ કામ કરીને બાકીના 494 ચો.મી.ના કામની રકમની ગેરરીતિ કરવામાં આવી હતી. તેમજ અન્ય ૪ કામોમાં પણ અંદાજપત્રના માપ કરતાં ઓછું કામ કરીને પૂરેપૂરી રકમ ચૂકવી દેવામાં આવી હતી.

તપાસ સમિતિના અહેવાલ મુજબ, તત્કાલિન ઉપસરપંચે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને આ તમામ નાણાકીય ગેરરીતિઓ આચરી હોવાનું અને ગુનાહિત હેતુ પાર પાડ્યો હોવાનું જણાયું હતું, જેના પગલે હવે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button