હવે બેંક લોકર પણ સલામત નથી, રાજકોટમાં રૂ. એક કરોડનું સોનું ગાયબ થતાં ખળભળાટ

રાજકોટઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. બેંક લોકરમાં મૂકેલું રૂપિયા એક કરોડનું સોનું ગાયબ થઈ જતાં ચકચાર મચી ગઈ હતી. રાજકોટના ભક્તિનગર સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ગોંડલ રોડ નજીક ઇન્ડિયન બેંકના સ્ટ્રોંગરૂમમાંથી એક વ્યક્તિના લોન પેટે રાખેલા અંદાજિત એક કરોડ રૂપિયાના સોનાની ભેદી રીતે ચોરી થવાની ઘટના સામે આવી હતી
સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ, સમગ્ર ઘટના ગત જાન્યુઆરીથી માર્ચના સમયગાળામાં બની હોવાનું માનવામાં આવે છે. માર્ચ મહિનામાં બેંક દ્વારા ઓડિટ કરવામાં આવ્યું ત્યારે શ્યામ શાહ નામના વ્યક્તિના લોકરમાંથી રૂપિયા એક કરોડનું સોનું ગાયબ થયું હોવાની જાણ બેંકને થઈ હતી. આટલી ગંભીર ઘટનાની જાણકારી હોવા છતાં, બેંક દ્વારા કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહોતી આવી.
ત્રણ માસ પહેલા ઇન્ડિયન બેંકના જવાબદાર અધિકારી દ્વારા માત્ર સ્થાનિક પોલીસ મથકમાં એક જાણવાજોગ અરજી કરવામાં આવી હતી. પોલીસે પણ તે સમયે ઘટનાની ગંભીરતા ન રાખતા માત્ર અરજી લઈ લેવામાં આવી હતી.
આજ દિન સુધી ઇન્ડિયન બેંકના લોકરમાંથી થયેલ સોનાની ચોરીની કોઈ ભાળ ન મળતાં, આખરે ઇન્ડિયન બેંક દ્વારા સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ‘એ’ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) તપાસ કરાવવાની તજવીજ હાથ ધરી છે. સાથે જ, પોલીસે ઇન્ડિયન બેંકના ૭ જેટલા કર્મચારીઓને પણ ગાંધીનગર ખાતે FSL કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે.
અત્રે નોંધનીય છે કે સૌ કોઈ લોકો પોતાના કિંમતી ઘરેણાં, રોકડ રકમ અને જમીન-જાયદાતના કીમતી કાગળો સૌથી સુરક્ષિત જગ્યાએ રાખવાનું પસંદ કરતા હોય છે, અને આ સુરક્ષિત જગ્યાનું નામ બેંક લોકર હોય છે. પરંતુ જો બેંક લોકરમાંથી જ ચોરી થાય, તો તેનાથી વધુ સુરક્ષિત જગ્યા કઈ ગણવી? ત્યારે આ ઘટના બેંકમાં કીમતી કાગળો અને ઘરેણાંઓ મૂકતા લોકો માટે લાલબત્તી સમાન છે.
આ પણ વાંચો…કેરળના સબરીમાલા મંદિરમાં સોનું ગાયબ થવા મુદ્દે પીએમ મોદીને હસ્તક્ષેપ કરવા ભાજપની માંગ



