ગણેશ જાડેજાના ફરિયાદી રાજૂ સોલંકીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

રાજકોટ: ગણેશ જાડેજા વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદના ફરિયાદી રાજૂ સોલંકી સહિત ચાર લોકોની સામે ગુજસિટોકની કલમ હેઠળ ધરપકડ કરાયા બાદ આજે રાજકોટની ગુજસિટોક કોર્ટમાં 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જુનાગઢના દલિત સમાજના પ્રમુખના દીકરાને નગ્ન કરીને માર મારવાના ખૂબ જ ચર્ચાસ્પદ રહેલ કેસમાં ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના દીકરા ગણેશ ગોંડલની સામે કાર્યવાહી ચાલી રહી છે. આ કેસના ફરિયાદી રાજૂ સોલંકી સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આજે આરોપીઓને રાજકોટની ગુજસિટોક કોર્ટમાં 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા. જો કે કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પણ વાંચો : કમાણી ન હોય તો પણ પૂર્વ પત્નીને ભરણપોષણ આપવું પડશે, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો
રાજુ સોલંકીના વકીલ ડી પી પાતરે નિવેદન આપતા કહ્યું હતું કે આરોપીઓનો જે ગુનાહિત ઇતિહાસ દર્શાવવામાં આવ્યો છે તે 2019 ના વર્ષનો છે અને અમુક ગુનાઓમાં ચાર્જશીટ બની ચૂકી છે અને અમુક ગુનાઓ પેન્ડિંગ છે જ્યારે અમુક ગુનાઓમાં નિર્દોષ છૂટેલા છે. પોલીસ દ્વારા ગુજસિટોકની કલમ હેઠળની કાર્યવાહી ગણેશ જાડેજા સામે પોલીસ ફરિયાદ દાખલ કર્યા પહેલા શા માટે કરવામાં ન આવી. ગણેશ જાડેજાની ફરિયાદમાં તપાસ અધિકારી દ્વારા અલગ જ દિશામાં તપાસ થતી હોવાથી આંદોલન કરવાના હોવાથી સરકારના ઇશારે આ કાર્યવાહી કરવામાં આવી છે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ દાખલ થયેલી ગુજસિટોકની ફરિયાદને હાઇકોર્ટમાં પડકારવાની વાત પણ કરી હતી.
જુનાગઢના ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ જુનાગઢના દલિત અગ્રણીના પુત્રને ઢોર માર મારવાને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી. હવે આ કેસમાં નવો જ વળાંક આવ્યો છે જેમાં રાજુ સોલંકી વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજૂ સોલંકી, સંજય સોલંકી, દેવ સોલંકી,જયેશ બગડા અને યોગેશ બગડા સહિતના લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તમામ લોકો પોલીસ ચોપડે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.