પહેલા પીએસઆઈ અને પછી ડીએસપીઃ દીકરાને પોલીસ બનાવવાની લાલચે પિતાને પોલીસ પાસે લાવી દીધા…

રાજકોટ: રાજકોટ શહેરમાં ફરી એકવાર પોલીસ ભરતીના નામે છેતરામણી થઈ હોવાનો કેસ નોંધાયો હતો. આરોપીઓએ ગૃહ વિભાગમાં ઓળખાણ હોવાનું કહી કરોડોની છેતરપિંડી કરી હોવાની માહિતી સૂત્રો દ્વારા બહાર આવી છે.
રાજકોટના નવાગામ ખાતે રહેતા પશુપાલકને તેમના પુત્રને પીએસઆઈ બનાવવા અને બાદમાં સીધા ડીએસપી બનાવવાની લાલચ આપી પાલિતાણાના બે શખ્સોએ રૂ. 1.48 કરોડની છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ગુનો નોંધી ગુનેગારોને પકડવા વધુ તપાસ હાથ ધરી હતી.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ભરતીના નામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. રાજકોટના નવાગામના રહેવાસી જીલુ ગમારા નામના પશુપાલન સાથે સંકળાયેલા વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેની સાથે પાલીતાણાના રહેવાસી વિવેક ઉર્ફે વીકી દવે અને હરિ ગમારા નામના શખસોએ પોતાના પુત્રને PSI બનાવી દેવામાં આવશે તેવી લાલચ આપવામાં આવી હતી.
જોકે, PSI ન બનતા બાદમાં DSP બનાવી દેશે તેવી લાલચ આપી 1 કરોડ 48 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
કેસની વિગતો અનુસાર નવાગામમાં રહેતા પશુપાલક જીલુ ગમારાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે પાલિતાણાના રહેવાસી વિવેક દવે અને હરિ ગમારાએ તેમના પુત્રને પીએસઆઈ અને પછી ડીસીપી બનાવી દેવાની લાલચ આપી રૂ. 1.48 કરોડની છેતરપિંડી કરી છે.
દીકરાની નોકરીનું કંઈ ઠેકાણું ન પડતા પિતાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ તપાસ અનુસાર વિવેક પોતે બહુ વગદાર માણસ હોવાનું કહે છે અને સોશિયલ મીડિયામાં આવા વીડિયો અને પોસ્ટ પણ શેર કરતો દેખાય છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



