સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીનું NSUIના વિદ્યાર્થીઓએ મોં કાળું કર્યું, છેડતીના આક્ષેપ બાદ ઉગ્ર વિરોધ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી સામે વિદ્યાર્થિનીઓની છેડતીના ગંભીર આક્ષેપોથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈએ ઉગ્ર વલણ અપનાવી ગિરીશ ભીમાણીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન એનએસયુઆઈના કાર્યકરોએ ભીમાણીને આંતરીને તેમના પર શાહી ફેંકી મોં કાળું કર્યું હતું અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.
અમરેલી જિલ્લા વિદ્યાસભાના નિયામક તરીકે ફરજ બજાવતા ગિરીશ ભીમાણી પર આબુ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થિનીઓની છેડતી અને અડપલાં કરવાના આક્ષેપો થયા હતા, જેને પગલે સંકુલ દ્વારા તેમને તમામ પદો પરથી દૂર કરી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભીમાણીના ભરડામાંથી છુટી
ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ૧૨ અને ૧૩ જાન્યુઆરી દરમિયાન આબુ પ્રવાસમાં ગિરીશ ભીમાણીએ નશાની હાલતમાં વિદ્યાર્થિનીઓ સાથે અશોભનીય વર્તન કર્યું હતું. આ ઘટના બાદ ગજેરા સંકુલ દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા છે, પરંતુ હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
એનએસયુઆઈએ આક્ષેપ કર્યો હતો કે આ મામલે પડદા પાછળ સમાધાન કરી લેવામાં આવ્યું છે, જે ગંભીર બાબત છે. સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે કે આ મામલે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને જે-તે હોટેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરી ભીમાણીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે.



