ગુજરાતમાં સૌપ્રથમવાર 30 લાખથી વધુ કિંમતના વેચાણ દસ્તાવેજોની આવકવેરા વિભાગ દ્વારા ચકાસણી: રાજકોટથી પ્રારંભ | મુંબઈ સમાચાર

ગુજરાતમાં સૌપ્રથમવાર 30 લાખથી વધુ કિંમતના વેચાણ દસ્તાવેજોની આવકવેરા વિભાગ દ્વારા ચકાસણી: રાજકોટથી પ્રારંભ

રાજકોટઃ ગુજરાતમાં આવકવેરા વિભાગે પ્રથમ વખત 30 લાખથી વધુ કિંમતના વેચાણ દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે. આ ઐતિહાસિક કાર્યવાહીનો પ્રારંભ રાજકોટથી કરવામાં આવ્યો હતો. જેનાથી રાજ્યભરના સરકારી અધિકારીઓ અને બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો હતો.

મળતી વિગત પ્રમાણે, બુધવારે સાંજે અમદાવાદ અને ગાંધીનગરથી આવેલી આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ ) પર આવેલી ડીએચ કોલેજ મેદાનમાં સ્થિત સબ-રજિસ્ટ્રાર કચેરી ઝોન 5 ખાતે ધામા નાખ્યા હતા. આ સર્વે કામગીરી મોડી રાત્રિ સુધી ચાલશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાંજથી શરૂ થયેલ આ સર્વે કામગીરી અંતર્ગત રાજકોટ ઝોન 5 માં વર્ષ 2024−25 દરમિયાન થયેલા વેચાણ દસ્તાવેજોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રોપર્ટી અંગે પૂરતી વિગતો દર્શાવતો રિપોર્ટ ન કરવામાં આવતો હોવાની ફરિયાદો મળ્યા બાદ આવકવેરા વિભાગના આઈએનસીઆઈ દ્વારા આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આપણ વાંચો : અમદાવાદમાં એક જ સપ્તાહમાં રૂા. 2.05 કરોડનો ધરખમ ટ્રાફિકદંડ વસુલાયો

સરકાર પ્રોપર્ટી વ્યવહારોમાં પારદર્શિતા લાવવા અને ટેક્સ ચોરીને રોકવા માટે કડક પગલાં ભરી રહી હોવાનું આના પરથી સાબિત થાય છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે આ એક મોટા સમાચાર છે, કારણ કે આ પ્રકારની કામગીરી રાજ્યમાં પ્રથમ વખત થઈ રહી છે. આગામી દિવસોમાં અન્ય ઝોનલ કચેરીઓમાં પણ આ જ રીતે તપાસ થવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે, જેનાથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટી અસર જોવા મળી શકે છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button