TRP અગ્નિકાંડની પ્રથમ વરસીઃ ન્યાય માટે કોંગ્રેસે પીડિત પરિવારો સાથે ઘટનાસ્થળે કર્યા હવન

રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં 25 મે, 2024 ના રોજ બનેલા હૃદયદ્રાવક અગ્નિકાંડને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ પીડિત પરિવારોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. આથી, પીડિત પરિવારોને ન્યાય અપાવવા અને મૃતાત્માઓના મોક્ષાર્થે આજે ઘટનાસ્થળે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હવનમાં કોંગ્રેસના ધારાસભ્યો સહિત અનેક આગેવાનો અને કાર્યકરો પીડિત પરિવારો સાથે જોડાયા હતા.

ગાંધી છાપ વગર કામ ન થતા હોવાનો આરોપ
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા, PWD, પોલીસ તંત્ર અને રાજ્ય સરકારની ભ્રષ્ટ નીતિઓને કારણે આ અગ્નિકાંડ સર્જાયો હતો. 3000 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 27 માનવ જિંદગી ભડથું થઈ ગઈ હોવા છતાં એક વર્ષ વીતી ગયા પછી પણ સરકાર સંવેદનશીલ બની નથી. ફાયર બ્રિગેડના ભ્રષ્ટાચારી અધિકારીઓ જેલ ભેગા થયા હોવા છતાં, સરકારમાં પ્રવર્તતા કરપ્શન અનલિમિટેડ અને ગાંધી છાપ વગર કામ ન થતા હોવાનો આરોપ તેમણે લગાવ્યો હતો.
આપણ વાંચો: પ્રોટોકોલને પડતો મૂકીને ગુજરાતના રાજ્યપાલે એસટી બસમાં કરી મુસાફરી, કહ્યું લાંબા સમયની હતી ઈચ્છા…
પીડિત પરિવારોમાંથી એક વ્યક્તિને નોકરી મળે
કોંગ્રેસે માંગ કરી હતી કે, પીડિત પરિવારોમાંથી એક વ્યક્તિને નોકરી મળે, અપૂરતી સહાયને બદલે પૂરતી સહાય આપવામાં આવે, અને મોરબી કાંડ તથા હરણી કાંડ જેટલી સહાયની રકમ રાજ્ય સરકાર ચૂકવે. આ ઉપરાંત, કોર્પોરેટર, ધારાસભ્ય કે પદાધિકારીઓ સામે ફરીથી ફેર તપાસ કરીને તેમને આરોપી બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી હતી. વધુમાં કહ્યું હતું કે, “સંવેદનશીલ અને ગરીબોની વાતો કરનારી સરકારની બેદરકારીને બદલે આરોપીઓ સામે હજુ સુધી ચાર્જ ફ્રેમ પણ થયો નથી. આરોપીઓ દ્વારા જાણી જોઈને કેસ લંબાવવામાં આવી રહ્યો છે અને ડે-ટુ-ડે કેસ ચલાવવાની અરજીની પણ કોઈ સુનાવણી થઈ નથી.”

કોંગ્રેસના દિગ્ગજોની હાજરી
આજના હવનના કાર્યક્રમમાં અગાઉ 15 દિવસ સુધી રાજકોટમાં ન્યાય માટેની લડત ચલાવનાર કોંગ્રેસના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલીયા, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી સહિતના આગેવાનો અને કાર્યકરો પીડિત પરિવારો સાથે હવનમાં આહુતિ આપવા જોડાયા હતા.