ટોપ ન્યૂઝરાજકોટ

“માનવતાની મિશાલ” રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૫ વર્ષથી ગુમ પિતા-પુત્રનું થયું અણધાર્યું મિલન…

રાજકોટ: રાજકોટની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડમાં તાજેતરમાં માનવતાની એવી છબી જોવા મળી કે જે જોઇને કોઇ પથ્થર દિલ માણસનું પણ કાળજું ભીનું કરી દીધું. તબીબોની અથાગ મહેનતે માત્ર એક જીવ ન બચાવ્યો પરંતુ ૧૫ વર્ષથી વિખૂટા પડેલા પિતા અને પુત્રનું અણધાર્યું મિલન કરાવ્યું હતું. આ ઘટના હોસ્પિટલમાં એક ભાવનાત્મક ક્ષણ બની રહી હતી.

આ ઘટના અંગે વિસ્તારથી વાત કરીએ તો ૩૧ માર્ચના રોજ પોલીસે એક અજાણ્યા ૪૫ વર્ષીય વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. માર્ગ અકસ્માતમાં ઘાયલ આ વ્યક્તિની હાલત અત્યંત નાજુક હતી, પાંસળીઓ તૂટી ગઈ હતી, બ્રેઇન હેમરેજ થયું હતું અને બંને પગના હાડકાંને પણ ઇજાઓ પણ પહોંચી હતી.

ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાના રહેવાસી
હોસ્પિટલમાં તેમની ઓળખ વાસુદેવભાઈ જોશી તરીકે કરવામાં આવી હતી. તેમની હાલત એટલી ગંભીર હતી કે બચવાની શક્યતા નહિવત્ હતી પરંતુ ડોક્ટરોની ટીમે હાર ન માની. દિવસ-રાત મહેનત કરી હતી અને ત્રણ જટિલ ઓપરેશન બાદ આખરે વાસુદેવભાઈને ભાન આવ્યું હતું. જ્યારે વાસુદેવભાઈ હોશમાં આવ્યા, ત્યારે તેમની ઓળખ જાણવાના પ્રયાસો શરૂ થયા હતા અને વાતચીતમાં તેમણે પોતે ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. આ માહિતીના આધારે હોસ્પિટલ પ્રશાસને ઉત્તરાખંડ પોલીસનો સંપર્ક કર્યો હતો. તપાસમાં સામે આવ્યું કે વાસુદેવભાઈના ગુમ થવાની ફરિયાદ વર્ષો પહેલા તેમના પરિવાર દ્વારા નોંધાવવામાં આવી હતી.

પિતાને જોઇ પુત્ર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો
ઉત્તરાખંડ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિવારને જાણ કરી, જેના પછી વાસુદેવભાઈનો પુત્ર અમિત જોશી અને ભાઈ તરત જ રાજકોટ પહોંચ્યા હતા. જ્યારે અમિતે પહેલીવાર પોતાના પિતાને જોયા તો તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો. અમિતે જણાવ્યું કે જ્યારે તેમના પિતા ગુમ થયા હતા, ત્યારે તેઓ ખૂબ નાના હતા. તેમણે ક્યારેય પોતાના પિતાને જોયા જ નહોતા. આજે જ્યારે વર્ષો બાદ પહેલીવાર તેમને સામે જોયા, તો તેઓ પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખી શક્યા નહીં. હોસ્પિટલ સ્ટાફે પણ વાસુદેવભાઈની સેવામાં કોઈ કસર છોડી ન હતી. વોર્ડના નર્સિંગ સ્ટાફથી લઈને ડોક્ટરો સુધી સૌએ માનવીય સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ભાવુક મિલન માટે અમિત જોશીએ હોસ્પિટલ પ્રશાસન અને ડોક્ટરોનો આભાર માન્યો હતો.

આપણ વાંચો : રાજકોટની હોસ્પિટલના ડૉક્ટરે જૂનાગઢની યુવતીનું ડાબા સાથે જમણા પગનું પણ ઑપરેશન કરી નાંખ્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button