
રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા વધુ એક મોટો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો હતો. સોમવાર તા. 24 નવેમ્બરથી રાજ્ય સરકાર ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ તથા રાગીની ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરશે. રાજ્યમાં નિયત કેન્દ્રો પરથી 31 જાન્યુઆરી, 2026 સુધી ખરીદી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મુખ્ય ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતીપુત્રો પ્રત્યે સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને રૂપિયા 10 હજાર કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ તાજેતરમાં વરસાદથી થયેલા નુકસાનમાંથી ખેડૂતોને બેઠા કરવા આપેલું છે. હવે તેમણે ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અન્વયે બાજરી, જુવાર, મકાઈ અને રાગીની સીધી ખરીદીનો ખેડૂત અને ગરીબ કલ્યાણલક્ષી નિર્ણય કર્યો હતો.
કૃષિ પ્રધાન જીતુભાઈ વાઘાણીએ રાજકોટમાં આ જાહેરાત કરતા કહ્યું કે, ડાંગર માટે પ્રતિ હેક્ટર 1500 કિલોગ્રામ ડાંગરનો જથ્થો નોંધણી થયેલા ધરતીપુત્રો પાસેથી ખરીદ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, સોમવાર 24 નવેમ્બરથી આગામી 31 જાન્યુઆરી, 2026 સુધી આ ખરીદી અન્વયે ડાંગર માટે રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 નિયત કેન્દ્ર પરથી ખરીદી થશે.
કૃષિ પ્રધાને વધુમાં જણાવ્યું કે, આ ખરીદી અન્વયે બાજરી હેક્ટરદીઠ 1848 કિલોગ્રામ, જુવાર પ્રતિ હેક્ટર 1539 કિલોગ્રામ, મકાઈ હેક્ટર દીઠ 1864 કિલો અને રાગી હેક્ટર દીઠ 903 કિલોગ્રામ પ્રમાણે ખરીદી થશે. કેન્દ્ર સરકાર દ્વારા ક્વિન્ટલ દીઠ ખરીદીના જે લઘુતમ ટેકાના ભાવ જાહેર કરાયા છે તેમાં ડાંગર માટે ક્વિન્ટલ દીઠ 2369 અને 2389, બાજરીના 3075, જુવાર (હાઇબ્રીડ)ના 3999, જુવાર (માલદંડી)ના 4049, મકાઈના 2400 અને રાગી માટે 5186 ભાવ રહશે.
ટેકાના ભાવે વિશાળ જથ્થામાં આવી જણસીઓ ખરીદીને રાજ્યના NFSA અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવરી લેવાયેલા 74 લાખ પરિવારોના 3.60 કરોડ લોકોને વિનામૂલ્યે વિતરણ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવે છે.
આપણ વાંચો: રોજગારીનો મહાકુંભ: 4473 યુવાનોના સપના થયા સાકાર, ગાંધીનગરમાં ભવ્ય સમારોહમાં નિમણૂકપત્રો એનાયત કરાયા



