ગોંડલમાં ડી-માર્ટના નામે ખેડૂત સાથે ₹17.85 લાખની લસણ-ડુંગળી પડાવી લીધાની ફરિયાદ

ગોંડલ: ડી-માર્ટમાં ઊંચા ભાવે વેચી આપવાની લાલચ આપીને ગોંડલના એક ખેડૂત અને તેમના બનેવી સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. આશરે ₹17.85 લાખની છેતરપિંડી કરીને, આરોપીએ ખેડૂત પાસેથી 363 મણ લસણ અને 200 મણ ડુંગળી પડાવી લીધા હોવાની ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
મળતી વિગતો અનુસાર, ગોંડલ તાલુકાના ચરખડી ગામના રહેવાસી 50 વર્ષીય કિશોરભાઈ બાવનજીભાઈ કથીરિયાએ પોતાના જ ગામના સંદીપ ગોવર્ધનભાઈ સગપરીયાને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2024માં લસણનું વાવેતર કર્યા બાદ તેના પાડોશમાં રહેતા સંદીપ સગપરીયાએ તેમની વાડીની મુલાકાત લીધી હતી. સંદીપે પોતે ડી-માર્ટમાં એજન્ટ હોવાનું જણાવી લસણ ઊંચા ભાવે વેચાવી આપવાની વાત કરી અને 10 ટકા દલાલી નક્કી કરી હતી.
લસણનો પાક તૈયાર થતાં કિશોરભાઈએ સંદીપનો સંપર્ક કર્યો. સંદીપે લસણના મણદીઠ ₹3,600 ભાવ અપાવવાનું વચન આપ્યું. આ માટે તેણે અલગ અલગ બહાના હેઠળ પૈસા માંગવાનું શરૂ કર્યું હતું. સૌથી પહેલા તેણે ઓફલાઈન અરજી અને ડી-માર્ટના અધિકારીને આપવાના બહાને ₹1.20 લાખની માંગણી કરી હતી. ત્યારબાદ પેકિંગ, મજૂરી અને મુંબઈના અધિકારીને આપવાના નામે ₹2.60 લાખ લીધા હતા. આ બધું કર્યા બાદ, તારીખ 1 જૂન, 2025ના રોજ 363 મણ લસણ ટ્રકમાં ભરીને લઈ ગયો હતો.
થોડા દિવસો પછી સંદીપે 500 મણ ડુંગળીની જરૂર હોવાનું જણાવી મણદીઠ ₹1,600 ભાવ મળશે તેમ કહ્યું હતું અને આ માટે કિશોરભાઈએ તેમના બનેવી મિતેશભાઈ ઉર્ફે જગદીશભાઈ પાસેથી 350 મણ ડુંગળી અપાવી હતી. આ ડુંગળી ડી-માર્ટમાં વેચવા માટે ડિપોઝિટના નામે ₹2.85 લાખ લીધા હતા. ત્યારબાદ 50 મણ ડુંગળી ખરાબ નીકળી હોવાનું કહી બજારમાંથી ખરીદી કરવા અને મજૂરી-ભાડાના નામે ₹3.50 લાખ લીધા હતા. આટલેથી ન અટકતાં, સંદીપે ડુંગળી રિજેક્ટ થઈ હોવાનું બહાનું આપી ₹2.50 લાખની માંગણી કરી હતી. છેલ્લે, લસણ-ડુંગળી ચેન્નઈ ટ્રાન્સફર થયાનું અને અરજી ઓનલાઇન કરવાના નામે વધુ ₹3.50 લાખ પડાવ્યા હતા.
કુલ ₹17.85 લાખ લીધા પછી, 10 સપ્ટેમ્બર, 2025ના રોજ જ્યારે ખેડૂતે પૈસાની ઉઘરાણી કરી ત્યારે સંદીપે કોઈ જવાબ ન આપ્યો હતો. શંકા જતાં, કિશોરભાઈએ ટ્રક ડ્રાઈવરનો સંપર્ક કર્યો, જેમણે જણાવ્યું કે લસણ અને ડુંગળી ગોંડલ યાર્ડમાં જ ઉતારી દેવામાં આવ્યા હતા અને સંભવતઃ ત્યાં જ વેચી નાખવામાં આવ્યા છે. આ ઘટના બાદ, ખેડૂત કિશોરભાઈએ સંદીપ સગપરીયા વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો…સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી પર જાતીય શોષણ અને છેતરપિંડીનો કેસ દાખલ, પોલીસે તપાસ શરુ કરી