વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરતી ડમી શાળાઓ! તપાસ થઈ તો બહાર આવ્યું ચોંકાવનારૂ સત્ય

રાજકોટઃ ગુજરાતમાં માત્ર વસ્તુઓ કે અધિકારીઓ જ નહીં પરંતુ શાળાઓ પણ ડમી ચાલતી હોવાનું સામે આવ્યું છે. રાજકોટમાં ડમી શાળા સંચાલકો માત્ર રજીસ્ટર પર શાળા ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કે તપાસ કરવામાં આવી નહોતી. મહત્વની વાત એ છે કે, રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી પ્રિયવદન કોરાટે આ મામલે અનેક વખત પત્ર લખ્યાં હતા. આ મામલે ગંભીરતાથી તપાસ થવી જરૂરી હોવાથી કેન્દ્રમાંથી તપાસ કરવામાં આવી અને જેના કારણે ગુજરાતનું શિક્ષણ વિભાગ પણ દોડતું થયું હતું.
શાળામાં નામ છે પરંતુ વિદ્યાર્થીઓ ભણવા નથી આવતા!
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શિક્ષણ વિભાગે ખાનગી રીતે આ શાળાની તપાસ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું અહીં શાળામાં કોઈ વિદ્યાર્થીઓ તો ભણતા જ નથી, તેમના નામ માત્ર રજીસ્ટરમાં દાખલ કરી દેવામાં આવ્યાં હતાં. શાળા સંચાલકોએ ક્લાસિસ સંચાલકો સાથે ગોઠવણ કરી હતી. જેમાં ધોરણ 10 પછી વિદ્યાર્થીઓના શાળામાં માત્ર નામ ચઢાવવામાં આવતા હતા. બાકી આ વિદ્યાર્થીઓને ક્લાસિસ કરવા માટે મોકલી દેવામાં આવતાં! જેમાં વિદ્યાર્થીઓને બમણી ફી ભરવી પડતી હતી. મહત્વની વાત એ છે કે, આના કારણે સામાન્ય પરિવારોમાંથી આવતા બોળકોને વધારે તકલિફનો સામનો કરવો પડતો હતો.
આ પણ વાંચો: CBSEની લાલ આંખ છતાં શિક્ષણ વિભાગ ગુજરાતમાં ડમી શાળા શોધી કાઢવામાં નિષ્ફળ
માત્ર દસ્તાવેજો પર જ વિદ્યાર્થીઓની નોંધણી કરવામાં આવતી
ધોરણ 10 પાસ કર્યા પછી જ્યારે 11માં વિજ્ઞાન પ્રવાહમાં માત્ર દસ્તાવેજો પર જ વિદ્યાર્થીઓના નામની નોંધણી કરવામાં આવતી હતી. એટલું જ નહીં પરંતુ ડમી શાળા સંચાલકો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા માટે નકલી હોતું, જેમાં કોઈ પણ પ્રકારની પ્રેક્ટિકલ પરીક્ષા આપ્યાં વિના વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવતા હતાં. સ્થાનિક તંત્રએ આ બાબતે કોઈ કાર્યવાહી કરી નહોતી એવા પણ આક્ષેપો લાગ્યાં છે. જો કે, કેન્દ્રમાંથી તપાસ થતા આખરે રાજ્યનું શિક્ષણ વિભાગ દોડ્યું અને પરંતુ પ્રશ્ન એ છે કે, અત્યારે શાળામાં રજાઓ ચાલી રહી હોવાથી કાર્યવાહી અટકી ગઈ છે.
દેશના ભાવિ સાથે આ લોકો રમી રહ્યાં છે રમત
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે સઘન તપાસ કરાવવી જોઈએ કે રાજ્યમાં આવી કેટલી ડમી શાળાઓ ચાલે છે! આવી શાળાઓના સંચાલકો સામે કાર્યવાહી પણ થવી જોઈએ. કારણે કે, વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે, આવા લોકો માત્ર રૂપિયા માટે વિદ્યાર્થીઓને ભવિષ્યને બગાડી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ એવી ક્લાસિસ સામે પણ કાર્યવાહી થવી જોઈએ જે આવી રીતે વિદ્યાર્થીઓના ભાવિ સાથે રમત રમી રહ્યાં છે. ફરિયાદો તો અનેક થઈ રહી છે પરંતુ તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું!