રાજકોટવાસીઓને દિવાળી ભેટ: દિલ્હી માટે ત્રીજી ફ્લાઇટ શરૂ થશે, વેપારીઓને મોટો ફાયદો | મુંબઈ સમાચાર
રાજકોટ

રાજકોટવાસીઓને દિવાળી ભેટ: દિલ્હી માટે ત્રીજી ફ્લાઇટ શરૂ થશે, વેપારીઓને મોટો ફાયદો

રાજકોટ: દિવાળી પહેલા રાજકોટવાસીઓને દિલ્હીની ફ્લાઇટની ભેટ મળવા જઈ રહી છે. એર ઇન્ડિયા દ્વારા આગામી ૨૬ ઓક્ટોબરથી રાજકોટ-દિલ્હી વચ્ચે સવારની નવી ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. આ ફ્લાઇટનો સમય સવારે ૧૦:૧૦ વાગ્યાનો રહેશે.

હાલમાં રાજકોટથી દિલ્હી માટે માત્ર સાંજની બે ફ્લાઇટ્સ ચાલી રહી છે, જેની સંખ્યા હવે વધીને ત્રણ થશે. સવારની આ ફ્લાઇટ શરૂ થવાથી રાજકોટના વેપારીઓ અને ઉદ્યોગકારોને મોટી રાહત મળશે. તેઓ સવારે ફ્લાઇટમાં દિલ્હી પહોંચી, ત્યાં કામકાજ પતાવી, સાંજે દિલ્હીની ફ્લાઇટમાં પરત આવી શકશે. રાજકોટમાં આશરે ૨ લાખ જેટલા MSME (નાના ઉદ્યોગો) આવેલા હોવાથી, આ સવારની ફ્લાઇટ નાના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે.

રાજકોટના હિરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગામી વિન્ટર શેડ્યુલ દરમિયાન એર ઇન્ડિયાએ આ સવારની ફ્લાઇટ માટે એરપોર્ટ ઓથોરિટી પાસે સ્લોટની માંગણી કરી હતી. વિન્ટર શેડ્યુલમાં એર ઇન્ડિયાની દિલ્હી માટે બે અને મુંબઈ માટે બે એમ કુલ ચાર ફ્લાઇટ ઉડાન ભરશે. મુંબઈ માટેની જે સવારની ફ્લાઇટ હાલમાં થોડા દિવસો માટે બંધ છે, તે પણ ૧ ઓક્ટોબરથી ફરી શરૂ કરી દેવામાં આવશે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા લાંબા સમયથી રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી એરલાઇન સુવિધા મળે તે માટે સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. હાલમાં હિરાસર એરપોર્ટ ખાતેથી ૧૨ જેટલી ડોમેસ્ટિક ફ્લાઇટની ટ્રીપો ચાલી રહી છે, જેમાં દર મહિને આશરે ૯૦ હજાર જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. વધતી જતી મુસાફરોની સંખ્યાને ધ્યાને લેતા, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વધુ એરલાઇન ટ્રીપો શરૂ કરવાની માંગણી ચાલુ રાખવામાં આવી છે.

આપણ વાંચો:  રાજકોટમાં દાંડિયાની જગ્યાએ યુવતીઓએ પકડી તલવારઃજુઓ વીડિયો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button