આ નેશનલ હાઇવે પર બે વખત ટોલટેક્સ ચાંદલા બાદ તમને મળશે “ધૂળની ડમરીઓ, ખાડા અને અકસ્માતનું જોખમ”
રાજકોટ: હાલના સમયે જો રાજકોટથી જેતપુર નેશનલ હાઇવેની મુસાફરી કરવાનું થાય તો જાણે કોઇ પૂર્વ જન્મના પાપનું ફળ ભોગવી રહ્યા હોય તેવું લોકો માની રહ્યા છે. એક તરફ સિક્સ લેનની ચાલી રહેલી કામગીરી અને બીજી બાજુ વરસાદથી બદતર થઈ ગયેલ હાઇવેની હાલત. આ બંને બાબતોના મિશ્રણથી રાજકોટથી જેતપુર સુધીનો નેશનલ હાઇવે 27 ખાડે ગયો છે. અહી એક તરફ ખાડા અને બીજી બાજુ ઊડતી ધૂળની ડમરીઓના લીધે આખો નેશનલ હાઇવે એક અકસ્માત સંભવિત વિસ્તાર બની જવા પામ્યો છે.
રાજકોટથી જેતપુર નેશનલ હાઇવેનું સિક્સ લેન રૂપાંતરણનું કામ પણ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે અને તેમાં પણ છેલ્લા દિવસોમાં પડેલા વરસાદથી રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા, ઊખડી ગયેલી કાંકરીઓ અને ધૂળની ડમરીઓ સિવાય કઈ નથી દેખાતું. દિલ્હી કે અમદાવાદમાં સામાન્ય રીતે પ્રદૂષણના હિસાબે વિઝિબીલીટી ઘટી જતી હોય છે જ્યારે નેશનલ હાઇવે 27 પર ધૂળની ડમરીઓથી વિઝિબીલીટીમાં ઘટાડો થઈ જાય છે. ઊડતી ધૂળના લીધે હાઇવે પર નાના-મોટા વાહનોની આગળ પાછળ કંઈ દેખાતું નથી.
જો કે રાજકોટથી જેતપુર નેશનલ હાઇવે એક નહિ પણ બે-બે ટોલનાકા છે અને વાહન ચાલકોએ બંને ટોલનાકા પર ચાંદલો કરાવવા છતાં NHAI તરફથી મળે છે તો બસ નર્યા ખાડા, ધૂળની ડમરીઓ અને અકસ્માતનું જોખમ. હાલ તો રોડની હાલત જોતાં નેશનલ હાઇવેની કેટેગરીમાં મૂકવો કે કેમ તે જ મોટો સવાલ છે. 1200 કરોડના ખર્ચે હાઇવેના સિક્સ લેનની કામગીરી ચાલી રહી છે આથી સિંગલ લાઇન પર જ વાહનોનો મોટા ભાગની અવરજવર થઈ રહી છે.