સૌરાષ્ટ્રના 15 ડેમોમાં નવા નીરની આવક: અડધાથી એક ફૂટ નવું પાણી આવ્યું

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદના કારણે 15 ડેમોમાં નવા નીરની આવક થઈ હતી. તમામ ડેમમાં અડધાથી એક ફૂટ નવું પાણી આવ્યું હતું. રાજકોટનાં ન્યારી-1 ડેમમાં 0.33 ફૂટ નવું પાણી આવતા ડેમની સપાટી 21 ફૂટે પહોંચી હતી. ડેમ 70 ટકાથી વધુ ભરાઈ જતા ચેતવણી આપવામાં આવી હતી.
જે મુજબ રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર કરવા જણાવાયું હતું. ઉપરાંત લોધીકા, હરીપર, પાળ તથા રાજકોટના વેજા ગામ ઉપરાંત ખંઢેરી, ઈશ્ર્વરીયા, વડવાળી વાજડી, ખંભાના ન્યારા, પડધરી રામપુર, રંગપુર, તરઘડી, ગઢીયાળી વેજડી, વેજાગામ (વાજડી) વાજડી (વીરડાવાળી) ગામો માટે ખાસ ચેતવણી આપવામાં આવી હતી.
છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લાનાં ભાદર-1માં 0.16 ફૂટ, ફોફણમાં 0.20, સોડવદરમાં 0.66, સુરવોમાં 0.5 ફૂટ અને વેરીમાં પોણો ફૂટ નવું પાણી આવ્યું હતું.
આપણ વાંચો: જૂનાગઢમાં ભારે વરસાદથી ઓઝત સહીત અનેક ડેમો છલકાયા, 35થી વધુ ગ્રામ્ય રસ્તાઓ અને 15 બસ રૂટ બંધ
ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે
મોરબીનાં મચ્છુ-1માં 0.20, મચ્છુ-2માં 0.20 અને ડેમી-1માં 0.36 ફૂટ જયારે જામનગરના આજી-4માં એક ફૂટ, તથા રંગમતીમાં 0.39 ફૂટ, તથા દ્વારકાના ઘી માં અડધો ફૂટ વર્તુ-1માં પોણો ફૂટ, કાબરકામાં પોણો ફૂટ અને વેરાડી-2માં પણ પોણો ફૂટ નવું પાણી આવ્યું હતું. ડેમમાં નવા પાણીની આવકથી ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવા માટે પૂરતું પાણી મળશે.
જળ સંકટને હળવું કરવામાં મદદ મળશે
આ નવા પાણીની આવકથી માત્ર ખેતીને જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના જળ સંકટને હળવું કરવામાં મદદ મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ સારો વરસાદ થવાની શક્યતા છે, જેનાથી ડેમોમાં પાણીની આવક વધતી રહેશે.