રાજકોટમાં 'વિજય માલ્યા' બની ફરતા ડિફોલ્ટરો સામે કલેક્ટરનું કડક વલણ: ₹4.70 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી | મુંબઈ સમાચાર
રાજકોટ

રાજકોટમાં ‘વિજય માલ્યા’ બની ફરતા ડિફોલ્ટરો સામે કલેક્ટરનું કડક વલણ: ₹4.70 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી

રાજકોટ: શહેર અને જિલ્લામાં સરકારી, ખાનગી બેંકો અને ફાઇનાન્સ પેઢીઓમાંથી કરોડો રૂપિયાની લોન લઈને હપ્તા ન ભરનારા ડિફોલ્ટર સામે કલેક્ટર દ્વારા આક્રમક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેનાથી બેંક ડિફોલ્ટરોમાં ફફડાટ ફેલાયો હતો.

છેલ્લા એક મહિનાના ગાળામાં જ કલેક્ટર તંત્ર દ્વારા ત્રણ અલગ-અલગ આસામીઓની અધધ ₹4.70 કરોડ ની મિલકતો જપ્ત કરીને બેંક અને સંબંધિત પેઢીઓને કબજો સોંપી દેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, કલેક્ટર તંત્રની સૂચનાના આધારે રાજકોટ પૂર્વ મામલતદાર કચેરી દ્વારા ગત મહિને ‘સરફેસી એક્ટ’ હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.આ લોકોએ રાજકોટ અને મોરબી જિલ્લાની બેંકોમાંથી કરોડોની લોન લીધા બાદ તેના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. કલેક્ટરના આદેશ બાદ મામલતદાર દ્વારા આ આસામીની કુલ ₹4.28 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી હતી. એક મહિનામાં ₹4.70 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી હતી.

આપણ વાચો: UGCની લાલ આંખ: ગુજરાતની 8 ખાનગી યુનિવર્સિટીઓ ‘ડિફોલ્ટર’ જાહેર, જુઓ લિસ્ટ

10 મહિનામાં 72 મિલકતનો કબજો

બેંક લોન લીધા બાદ હપ્તા નહીં ભરનારાઓ સામે કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા 10 મહિનાના ટૂંકાગાળા દરમિયાન ડિફોલ્ટરની ઓફિસ, મકાન, ફલેટ સહિત કુલ 72 મિલક્તનો કબજો લેવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ રાજકોટ પૂર્વ વિસ્તારની મિલકતો હતી.

રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા બેંકમાંથી લોન લીધા બાદ હપ્તા ન ભરતા આસામીની મિલક્ત જપ્તીના હુકમ કરવામાં આવ્યા હતા. જેમાંથી 26 કેસમાં આસામીઓએ ટ્રીબ્યુનલમાં અપીલ કરી હોવાનું સામે આવ્યું હતું. કલેક્ટર તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવતા ડિફોલ્ટરોમાં ફફડાટ ફેલાયો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button