કોંગ્રેસ નેતા લલિત વસોયાનો ગોપાલ ઈટાલિયા પર ₹ 10 કરોડનો બદનક્ષીનો દાવો: શું છે સમગ્ર મામલો?

રાજકોટ: આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ગત 17 જૂને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં વિસ્ફોટક દાવો કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના લલિત વસોયા, લલિત કગથરા તથા પરેશ ધાનાણીએ મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. લલિત વસોયાએ પોતાની કારમાંથી 2 લાખ રૂપિયા કાઢી આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકા સંગઠન મંત્રી હરદેવ વિકમાને આપ્યા અને મારા વિરુદ્ધ ખોટા આક્ષેપો કરતો વીડિયો બનાવવાનું કહ્યું હતું.
ગોપાલ ઈટાલિયાને કાયદેસરની નોટિસ મોકલી
આ આક્ષેપો બાદ પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા લલિત વસોયાએ કહ્યું હતું કે આ ગંભીર આરોપોને કારણે પોતાની જાહેર છબીને નુકસાન થયું હોવાથી ગોપાલ ઈટાલિયાને કાયદેસરની નોટિસ મોકલી છે. આ નોટિસમાં તેમણે ઈટાલિયા પાસેથી ₹ 10 કરોડનું વળતર માંગ્યું છે. આ સાથે જ વસોયાએ ગોપાલ ઈટાલિયાને 10 દિવસની અંદર આ નોટિસનો સંતોષકારક જવાબ આપવા પણ જણાવ્યું છે. જો 10 દિવસમાં ગોપાલ ઈટાલિયા તરફથી યોગ્ય જવાબ નહીં મળે તો લલિત વસોયા કાયદેસરની કાર્યવાહી આગળ વધારશે.
શું કહ્યું લલિત વસોયાએ?
આ અંગે લલિત વસોયાએ વધુમાં કહ્યું હતું કે વિસાવદરની પેટાચૂંટણી દરમિયાન ગોપાલ ઈટાલિયાએ સ્ટિંગ ઓપરેશન કરીને હોટેલમાં આપના કાર્યકરને 2 લાખ રૂપિયા આપી ખરીદતા હોવાનો આક્ષેપ કર્યો હતો. લલિત વસોયાએ કહ્યું હતું કે મને અઠવાડિયામાં આ અંગેના પુરાવા આપી વાતચીત કરે, જો એવું નહીં કરે તો કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.
ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું?
જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે નોટિસ વાંચું તો ખબર પડે ને, મને નોટિસ મળી નથી. જે નોટિસ ગોપાલ ઇટાલિયાને આપવાની છે એ ટીવીમાં આપી છે. તે લોકોનો ઇરાદો જુઓ, હું ચૂંટણી જીત્યો છું. ભાજપ અને કોંગ્રેસે પોતાની તમામ તાકાત લગાવી છતાં હું જીત્યો એટલે એ બે પાર્ટીને પેટમાં દુ:ખે છે.
આપણ વાંચો : સીઆર પાટીલ પર ગોપાલ ઈટાલિયાના આકરા પ્રહાર, દુકાન ચલાવે છે…