સાયબર સેફ્ટી: admin123′ જેવા પાસવર્ડથી હોસ્પિટલ સહિત 80 CCTV હેક કરીને 50,000 સંવેદનશીલ ક્લિપ્સ પોર્ન માર્કેટમાં!

રાજકોટ: શહેરની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાના બનાવે સમગ્ર દેશમાં ભારે ચકચાર મચાવી હતી. ત્યારે આ ઘટના દેશના અત્યાર સુધીના સૌથી ચિંતાજનક સાયબર સ્કેન્ડલ્સ પૈકી એક બની ગઈ છે. હેકર્સે હોસ્પિટલના CCTV સિસ્ટમને તેના ડિફોલ્ટ એડમિન પાસવર્ડ ‘admin123’ નો ઉપયોગ કરીને હેક કરી, ગાયનેકોલોજી વોર્ડમાં મહિલાઓના ચેકઅપની સંવેદનશીલ ફૂટેજ ચોરી લીધી હતી. આ ફૂટેજ ગેરકાયદેસર રીતે નફો કમાવવા માટે આંતરરાષ્ટ્રીય પોર્ન માર્કેટમાં વેચવામાં આવી હતી, જેના કારણે દેશભરમાં સાયબર સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
મીડિયા અહેવાલ અનુસાર, આ સાયબર ચોરી જાન્યુઆરી 2024 થી લઈને ડિસેમ્બર 2024 ની શરૂઆત સુધી લગભગ એક વર્ષ ચાલી હતી. આ દરમિયાન, હેકરોએ દેશભરમાંથી નવ મહિનામાં આશરે 50,000 CCTV ક્લિપ્સ ચોરી કરવામાં સફળતા મેળવી હતી. આ કૌભાંડ ત્યારે સામે આવ્યું જ્યારે રાજકોટની હોસ્પિટલની ક્લિપ્સ “Megha Mbbs” અને “cp monda” જેવા YouTube ચેનલો પર પોસ્ટ કરવામાં આવી. ગ્રાહકોને ફૂટેજ ખરીદવા માટે ટેલિગ્રામ ગ્રુપ્સમાં લઈ જવામાં આવતા હતા, જ્યાં ક્લિપ્સની કિંમત રૂ.700 થી રૂ. 4,000 વચ્ચે રાખવામાં આવતી હતી.
જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી સહિત 20 રાજ્યોમાં તપાસ દરમિયાન, હોસ્પિટલો, શાળાઓ, કોર્પોરેટ હાઉસ, સિનેમા હોલ, ફેક્ટરીઓ અને ખાનગી ઘરો સહિત લગભગ 80 CCTV ડેશબોર્ડ હેક થયેલા મળી આવ્યા હતા. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે હેકરોએ ‘બ્રુટ ફોર્સ એટેક’ નો ઉપયોગ કર્યો હતો, જેમાં પ્રોગ્રામ દ્વારા પાસવર્ડના દરેક સંભવિત કોમ્બિનેશનને ટ્રાય કરવામાં આવે છે.
મુખ્ય હેકર અને બીકોમ ગ્રેજ્યુએટ પારિત ધમેલિયાએ આ કૃત્ય માટે ત્રણ અલગ-અલગ સોફ્ટવેર પ્રોગ્રામનો ઉપયોગ કર્યો હતો. જોકે, આ વર્ષની શરૂઆતમાં ધરપકડો થઈ હોવા છતાં, તપાસકર્તાઓને જાણવા મળ્યું કે આ ગેરકાયદેસર ક્લિપ્સ જૂન મહિના સુધી ટેલિગ્રામ ગ્રુપ્સ પર ઉપલબ્ધ હતી. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે ઘણા CCTV સિસ્ટમ્સ હજી પણ “admin123” જેવા ફેક્ટરી-સેટ ડિફોલ્ટ પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છે.
 


