રાજકોટ

ધોરાજીમાં ‘સરપંચ પતિ’ શાસન પર તવાઈ: મહિલા પ્રતિનિધિને બદલે પતિ વહીવટ કરશે તો હોદ્દા પરથી હાથ ધોવા પડશે

ધોરાજી: રાજનીતિમાં ચૂંટાયેલા અનેક પદો એવા છે જ્યાં ભલે સરકારી ચોપડે મહિલાનું નામ બોલાતું હોય પરંતુ પદની તમામ સત્તાઓ તેના પતિ અથવા દીકરાના હાથમાં હોય છે. આવો જ વિવાદ હવે ધોરાજીમાં ઉઠ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા સશક્તિકરણ માટે 50% અનામતની જોગવાઈ હોવા છતાં, ઘણી ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચ કે સદસ્યના બદલે તેમના પતિ, પુત્ર કે અન્ય પુરુષ સંબંધીઓ વહીવટ કરતા હોવાની ફરિયાદોને ધ્યાને લઈને ધોરાજી તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોને કડક આદેશ જારી કરવામાં આવ્યો છે કે, પંચાયતના વહીવટમાં ‘સરપંચ પતિ’ કે પુરુષ સંબંધીઓની દખલગીરી હવે ચલાવી લેવામાં આવશે નહીં.

તાલુકા વિકાસ અધિકારીએ સરપંચો અને તલાટીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે પંચાયતની તમામ સભાઓ કે બેઠકોમાં માત્ર ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓએ જ હાજર રહેવું પડશે. બેઠકોમાં તેમના બદલે તેમના પતિ કે અન્ય કોઈ સંબંધી બેસી શકશે નહીં. વધુમાં, પંચાયતના રેકોર્ડ, ચેકબુક કે અન્ય કોઈ પણ સરકારી દસ્તાવેજો પર માત્ર ચૂંટાયેલા પ્રતિનિધિની જ સહી હોવી અનિવાર્ય છે. જો કોઈ પુરુષ સંબંધી સહી કરતા જણાશે તો તેને કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવશે.

આ આદેશમાં તલાટી કમ મંત્રીઓને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. જો કોઈ મહિલા પ્રતિનિધિના સ્થાને અન્ય વ્યક્તિ વહીવટ કરતી જણાશે, તો સંબંધિત તલાટી સામે પણ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. તંત્ર દ્વારા આ બાબતે ગમે ત્યારે આકસ્મિક તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન જો કોઈ પણ પ્રકારની ગેરરીતિ જણાશે તો ગુજરાત પંચાયત અધિનિયમ-1993 મુજબ સંબંધિત પદાધિકારીને હોદ્દા પરથી દૂર કરવા સુધીની કડક કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે.

આપણ વાંચો:  ગુજરાતમા 20 એપ્રિલથી મકાનોની ગણતરી શરૂ થશે, ક્યા 33 સવાલો પૂછાશે ?

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button