રાજકોટ

ન્યાયયાત્રા પહોંચી રાજકોટ : શક્તિસિંહ ગોહિલના સંવેદન સભામાં ભાજપ પર આકરા પ્રહારો

રાજકોટ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટના રોજ  મોરબીથી શરૂ કરવામાં આવેલ ન્યાય યાત્રા આજે ત્રીજા દિવસે રાજકોટ પહોંચી છે. આજે સવારે 9 વાગ્યે આ યાત્રા રાજકોટના રતનપર ગામથી શરૂ થઇ હતી  અને રાજકોટ શહેર તરફ આગળ વધી હતી. આજે સાંજે આ યાત્રા રાજકોટ શહેર ખાતે પહોંચી ત્યારે  ઢેબરચોકમાં એક સંવેદના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, લાલજી દેસાઈ, જીગ્નેશ મેવાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે હું એરપોર્ટમાંથી ઉતર્યો અને ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યો ત્યારે જોરદાર વરસાદ હતો, પણ અહીં નથી. સારા કામ માટે નીકળીએ ત્યારે કુદરત પણ સાથ આપે છે. લોકોની તકલીફને સમજવા માટે માત્ર એસીમાં બેસવાથી કે હવાઈ જહાજમાં ફરવાથી નથી સમજી શકાતી ખુદ લોકોની વચ્ચે જઈએ તો જ આપણે પ્રજાના સાચા સેવક કહેવાઈએ. જીજ્ઞેશભાઈ અને લાલજીભાઈએ આ ન્યાય યાત્રાનું બીડું ઉઠાવ્યું હતું.

આખી દુનિયામાં વર્લ્ડ રેકોર્ડ થાય તેટલું કાશ્મીરથી કન્યાકુમારી સુધી સાડા ચાર હજાર કિલોમીટર કોઈ રાષ્ટ્રીય નેતા હોય તો તે રાહુલ ગાંધી છે. ડોક્ટરે ના પાડી છતાં નફરતનાં બજારમાં મહોબ્બતની દુકાન ખોલવા પગપાળા ચાલ્યા. TRP ગેમઝોનમાં નાના-નાના બાળકો બળીને રાખ થયા હતા. પીડિતો માટે સંવેદના હોવી જોઈએ, સત્તાની ખુરશીમાં બેઠેલાની આંખમાં આંસુ આવવા જોઈએ પણ આવ્યું નથી. રાજકોટવાસીઓને પણ નમન છે કે અમે હાથ જોડીને કહ્યું એટલે તરત બંધ રાખ્યું. સત્તાધીશો પીડિત પરિવારને મળવા તૈયાર નહોતા પણ બંધ પછી સામે ચાલીને બોલાવ્યા.

કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, તપાસ કરી રહેલા IPS અધિકારીઓમાં એટલી પણ કરોડરજ્જુ બચી હશે કે, એમના મા જણ્યા સગા ભાઈનું ખૂન ભાજપનો કોઈ કેબિનેટ મંત્રી કરે તો હું નથી માનતો કે એમનામાં સચોટ તપાસ કરવાની તાકાત હોય. દારૂ, ડ્રગ્સ, ગાંજામાંથી રૂપિયા નથી કમાતા તેવા ચાર પાંચ અધિકારીઓ બચ્યા છે, તેમને તપાસ નહીં આપવામાં આવે. સારા અધિકારીને તપાસ આપવા હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીને પેટમાં કેમ દુખે છે? કેસનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે પીડિત પરિવારો માટે લડીશું. તિરંગાનું સન્માન કરવાની જવાબદારી ભાજપના ગદ્દારોની નથી. કોંગ્રેસનો સિપાહી સ્વતંત્રતાની લડાઈમાં છાતીએ ગોળી ખાતો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button