રાજકોટ લોકમેળામાં સરકારની નિષ્ફળતા બતાવવા માટે કોંગ્રેસે કરી સ્ટોલની માંગ

રાજકોટ: રાજકોટમાં TRP ગેમઝોનની અસર ગુજરાત સહિત સમગ્ર દેશમાં છે. ગેમઝોન દુર્ઘટનામાં 27 લોકોના જીવનો ભોગ લેવાયો છે. દુર્ઘટનાની તપાસ માટે સરકારે SITની રચના કરી છે અને તેમાં અનેક અધિકારીઓની ધરપકડ કરવામાં આવ છે. આ મુદ્દે વિરોધ પક્ષ દ્વારા મોટી માછલીઓને બચાવીને નાના અધિકારીઓ વિરુદ્ધ કામગીરી કરવાનો આરોપ છે. આ મામલે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા લોકમેળામાં કોંગ્રેસને સ્ટોપ આપવાની માંગ કરવામાં આવી છે.
વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે કે રાજકોટમાં સાતમ આઠમના લોકમેળામાં સરકારી યોજનાની વિગતો દર્શાવતા સ્ટોલ ઊભા કરવામાં આવે છે. જેમાં સરકારની યોજનાઓને લોકો સમક્ષ રજૂ કરવા અને સરકારના કામોના વખાણ તથા પ્રચાર કરવા માટે આવા સ્ટોલ માહિતી નિયામક તથા સરકારના અન્ય વિભાગના સ્ટોલો રાખવામા આવે છે. તેની સામે વિરોધપક્ષ તરીકે કોંગ્રેસે આ વખતે રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ ની દુર્ઘટના તથા તેની મુશ્કેલીઓને ઉજાગર કરવા માટે તથા પ્રજાના પ્રશ્નો ઉજાગર કરવા જનતાનો અવાજ બનીને સરકાર ને સાચી સ્થાનિક પરિસ્થિતીને ઉજાગર કરવા વિરોધપક્ષ તરીકે રાજકોટના લોકમેળામાં સ્ટોલ માટે જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડઃ નવી SOP પ્રમાણે મેળો થવો શક્ય નથી? રાઈડ્સ સંચાલકોની રજૂઆત
આ સાથે જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે લોકોને જાગૃત થવાની જરૂર છે. IAS અને IPS જેવા અધિકારીઓ પૈસા લેનારા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ કોંગ્રેસી પ્રમુખ અતુલ રાજાણી, વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા, ધરમ કાંબલીયા, કૃષ્ણદત્ત રાવલ, સંજય લાખાણી વગેરે સાથે રહી અને લોકજાગૃતિ માટે આહ્વાન કર્યું હતું.
રાજકોટ અગ્નિકાંડનો મુદ્દે વિરોધ પક્ષ પણ સક્રિય રીતે વિરોધ કરી રહ્યો છે. અગ્નિકાંડની માસિક વરસી પર કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને રાજકોટના વેપારીઓ અને લોકો દ્વારા ખૂબ જ પ્રતિસાદ મળેલો. આ સિવાય રાહુલ ગાંધીએ આ મામલે પીડિતો સાથે વાત કરી ન્યાય અપાવવાની ખાતરી આપેલી. આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવનાર છે કે જેમાં પીડિતોને ન્યાય આપવાની માંગ કરવામાં આવશે.