રાજકોટના ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાનું ભવ્ય સમાપન, 15 લાખથી વધુ લોકોએ માણી મજા

રાજકોટઃ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ‘શૌર્યનું સિંદૂર’ લોકમેળાનું ભવ્ય સમાપન થયું હતું. આ મેળાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો. પાંચ દિવસ ચાલેલા આ લોકમેળાની મુલાકાત 15 લાખથી વધુ લોકોએ લીધી હતી.
મેળામાં વિવિધ પ્રકારની રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલ્સ, રમકડાં અને અન્ય પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેણે બાળકોથી લઈને વડીલો સુધી સૌને આકર્ષિત કર્યા હતા.
આપણ વાંચો: રંગત જામી: સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં ત્રણ દિવસમાં 8.60 લાખથી વધુ લોકોએ કરી મુલાકાત
લોકમેળામાં લોકોએ મન મૂકીને કરી ખરીદી
લોકમેળામાં ખાણી-પીણી રમકડા, હસ્તકલા કટલેરી સહિતની ચીજવસ્તુઓની ખરીદી પાછળ લોકો દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એસ.ઓ.પી.ની કડક અમલવારી તેમજ નિયમ મુજબના ડોકયુમેન્ટસ આઠ જેટલા રાઈડસ સંચાલક પુરા નહી કરી શકતા મોતનો કુવો,વેન્જર સુનામી સહિતની આ આઠ રાઈડ્સ મંજૂરીના અભાવે શરૂ નહી થઈ શકતા રસીકોમાં નિરાશા સાંપડી હતી મેળાના અંતીમ દિવસે 1.60 લાખથી વધુ ચિક્કાસ જનભેદની ઉમટી પડી હતી.
જો કે બીજા દિવસથી આઠ રાઈડ્સને બાદ કરતા તમામ રાઈડ્સ ધમધમતી થઈ હતી. યાંત્રિકો વિભાગે રાઈડ્સના ડોકયુમેન્ટ માટે બાંધ છોડ નહી કરાતા રાઈડ્સ સંચાલકોમાં નારાજગી છવાયેલી હતી. રાઈડ્સ સંચાલકોએ એવું પણ જણાવ્યું હતું કે આ વખતે પોલીસ અંતે વહીવટી વિભાગના અમુક અધિકારીઓના પરિવારજનો એ મફતમાં રાઈડ્સની સવારીનો આનંદ લુંટતા તેઓને થોડાઘણા અંશે નુકશાની સહન કરવી પડી છે.
આપણ વાંચો: રાજકોટના લોકમેળામાં જન્માષ્ટમીએ માનવ મહેરામણ ઉમટ્યું: ત્રણ દિવસમાં 8 લાખ લોકોએ મોજ માણી
તંત્રએ લીધો રાહતનો શ્વાસ
મોતના કુવા સહિત આઠ રાઈડ્સને મંજૂરી નહી અપાતા આયોજકોની હાલત કફોડી બની જવા પામી છે. લોકમેળામાં ખાણી-પીણીની મોજમજા તેમજ રમકડા, હસ્તકલા કટલેરી સહિતની ચીજવસ્તુઓની લોકોએ મનભરી ખરીદી કરી હતી. તેમજ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોએ પણ જમાવટ કરી હતી.
જેમાં લોકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે અઘોરી ગ્રુપ ત્યાર બાદ અલ્પાબેન પટેલ સહિતના લોકકલાકારોના કાર્યક્રમોએ લોકોને મોજમજા કરાવી હતી. કલેકટર ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ લોકમેળામાં આ વખતે 18 જેટલા વોચ ટાવર ઉભા કરાયા હતા. મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બની તેના કારણે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
લોકમેળામાં આરોગ્ય વિભાગે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે સતત દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં 5 દિવસ દરમિયાન કુલ 750 કિલો કરતાં વધુ અખાદ્ય ખોરાકનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, 40 જેટલા વેપારીઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી.