જનતાની સમસ્યા જાણવા અધિકારીએ કઇંક એવું કર્યું કે…..

રાજકોટ: જાહેર પરિવહનમાં ખૂબ જ ઉપયોગી એવી રાજકોટ બીઆરટીએસ સેવા ફરિયાદોથી પણ ભરપૂર રહે છે. બીઆરટીએસ બસ સેવામાં સુવિધાઓના અભાવની નાગરિકો દ્વારા કરવામાં આવેલ ફરિયાદનાં આધારે બીઆરટીએસ બસ સેવાની ચોકસાઇ અને કાર્યદક્ષતા અંગે રવિવારે કમિશ્નર દેવાંગ દેસાઇએ જ એસી ચેમ્બરમાંથી બહાર આવીને જાતે જ બસની મુસાફરી કરીને ફરિયાદો અંગે ચેકિંગ કર્યું હતું.
રાજકોટમાં ગોંડલ રોડથી લઈને માધાપર ચોકડી સુધી જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડતી BRTS બસ સેવાનો વહીવટ ખાનગી પાર્ટીને કોન્ટ્રાક્ટ પર આપવામાં આવ્યો છે. બસ સેવા અંગે RMTS અધિકારીઓ દ્વારા નિયમિત નિરીક્ષણ કરવામાં આવે છે તેમ છતાં સામાન્ય નાગરિકોએ BRTS સેવા અંગે મોટી સંખ્યામાં ફરિયાદો નોંધાવી છે. લોકો દ્વારા મળેલી ફરિયાદોને પગલે રાજકોટ મનપા કમિશનર ડી પી દેસાઈએ પોતે જ બસ સેવાનું ચેકિંગ કરવાનું નક્કી કર્યું હતું.
આ પણ વાંચો : અમારી ભૂલ બદલ માફી માગું છું, ધ્યાન દોરવા બાબત આભાર માનું છું: મુકેશ દોશી શહેર ભાજપ પ્રમુખ
રવિવારે રજાના દિવસે રાજકોટના 150 ફુટ રોડ પર દોડતી બીઆરટીએસ બસ સેવાના ચેકીંગમાં ખુદ ક્લાસ 1 અધિકારી કમિશ્નર દેવાંગ દેસાઇ પહોંચ્યા હતા. કમિશનરે એક સામાન્ય મુસાફરની જેમ જ નાના મવા બસ સ્ટોપથી ટીકીટ લીધી હતી અને બાદમાં ચકાસણી કરી હતી. તેમના ચેકિંગ દરમિયાન ટીકીટ મશીન ન ચાલતા હોવાનું, એ સિવાય બીજી અન્ય ઇલેક્ટ્રીક અને ટેકનીકલ ક્ષતિઓ ધ્યાને આવી હતી.
સાથે જ બીઆરટીએસમાં સીસીટીવી કેમેરાનો અભાવ અને અમુક જગ્યાએ સ્ટાફની પણ બેજવાબદારી પણ સામે આવી છે. વળી વિજય રૂપાણીના હસ્તે શરૂ કરવામાં આવેલી ફ્રી વાય ફાયની સુવિધા પણ બંધ હાલતમાં મળી આવી હતી. બીઆરટીએસ સેવામાં મળી આવેલ ક્ષતિઓને લઈને કમિશનરે જવાબદારી અધિકારીઓ સાથે બેઠક પણ બોલાવી હતી. આ ઉપરાંત છ સુપરવાઇઝરને નોટીસ આપી ખુલાસા પૂછવામાં આવ્યા છે.