રાજકોટમાં સેન્ટ્રલ જીએસટીની ટીમ એક્શનમાંઃ 2 મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં સર્ચ ઓપરેશન

રાજકોટઃ રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી (ગૂડ્સ સર્વિસીસ ટેક્સ)ની ટીમ ત્રાટકી છે. બે મોટા બિલ્ડર ગ્રુપને ત્યાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાઇડ ગ્રુપ અને ધ વન વર્લ્ડને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટમાં અનેક કમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવનાર પ્રતિષ્ઠિત પ્રાઇડ ગ્રુપના સંચાલક રોહિતભાઈ રવાણી છે. ધ વન વર્લ્ડ ગ્રુપ દ્વારા પણ અનેક પ્રોજેક્ટ બનાવાયા છે, જેનું સંચાલન પ્રિતેશ પીપળીયા સહિતના અન્ય ભાગીદારો છે.
આ પણ વાંચો: ફરી પકડાયું જીએસટી બોગસ બીલિંગ કૌભાંડઃ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સફળતા
અમદાવાદથી સેન્ટ્રલ જીએસટીની અલગ અલગ ટીમ રાજકોટ આવી પહોંચી હતી અને દરોડાની કામગીરી શરૂ કરી હતી. આ ઓપરેશન સેન્ટ્રલ જીએસટી અને કસ્ટમ્સના એડિશનલ જોઇન્ટ કમિશનરના સુપરવિઝન હેઠળ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ડિજિટલ ડેટા પણ હસ્તગત કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મોટા પ્રમાણમાં કરચોરી કરી હોવાની શંકા
આ તપાસ લગભગ એકથી બે દિવસ ચાલે તેવી છે. તપાસ પૂર્ણ થયા બાદ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે તેવી શક્યતા છે. જીએસટી વિભાગના દરોડાથી કરચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.