રાજકોટમાં નકલી સેક્સ પાવર બૂસ્ટર વેચવાનું કોલ સેન્ટર ઝડપાયું, ડોક્ટર બનીને ૪,૦૦૦ લોકો સાથે ઠગાઈ

રાજકોટ: જાતીય નબળાઈ, સ્થૂળતા (ઓબેસિટી) અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓમાં સુધારો લાવવાના બહાને નકલી દવાઓ વેચીને દેશભરમાં ૪,૦૦૦થી વધુ પુરુષો અને મહિલાઓને છેતરતી એક કોલ સેન્ટર ગેંગનો પર્દાફાશ રાજકોટ (ગ્રામ્ય) પોલીસે કર્યો હતો. આ ગેંગના સભ્યો તબીબી નિષ્ણાત બનીને ઓનલાઈન નકલી દવાઓ વેચતા હતા. રાજકોટના ભાયાવદરમાં ચાલતા આ કોલ સેન્ટર પર શનિવારે પોલીસે દરોડો પાડીને નવ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ કૌભાંડ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું હતું.
મળતી વિગતો અનુસાર, આ ગેંગના સભ્યો તબીબી નિષ્ણાતો તરીકે ઓળખ આપીને કોલ સેન્ટર ચલાવતા હતા. તેમણે પીડિતોને એલોપેથીક દવાઓ વેચી હતી, જે જાતીય ક્ષમતા વધારનાર દવાઓ નહોતી. જોકે, આ દવાઓ તેમણે ખરીદ કિંમત કરતાં ૧૦ ગણા વધુ ભાવે વેચવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ કૌભાંડ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું હતું.
આ સમગ્ર બનાવનો કથિત મુખ્ય સૂત્રધાર કિશન હજુ પણ ફરાર છે અને તેને પકડવા માટે શોધખોળ શરૂ કરવામાં આવી છે. સાગરીતોમાં દર્શક માકડીયા (ઉ. વ. ૨૭) કોલ સેન્ટરનું સંચાલન કરતો હતો અને આ માટે તેણે આઠ ટેલિ-કોલર્સને કામે રાખ્યા હતા, જેમની ઉંમર ૧૯ થી ૨૪ વર્ષની વચ્ચે હતી. આ કોલર્સને ડોક્ટર અને મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે વાતચીત કરવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.
રાજકોટ પોલીસે દરોડા દરમિયાન રૂ. ૬૮,૭૫૨ની દવાઓ સહિત કુલ રૂ. ૩,૯૬,૯૭૨નો મુદ્દામાલ જેમાં ૧૩ મોબાઈલ અને લેપટોપનો સમાવેશ થાય છે જપ્ત કર્યો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે મુખ્ય આરોપી, જે અગાઉ મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો, તેણે પોતાના મિત્ર સાથે મળીને સોશિયલ મીડિયા પર જાહેરાત કરી ગ્રાહકોને ફસાવ્યા હતા. ગ્રાહકો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા બાદ તેમની ટીમ સંપર્ક કરતી અને ઓર્ડર કન્ફર્મ થયા બાદ દવા ડિલિવર કરવામાં આવતી હતી. આ ટોળકી રૂ. ૧૨૦ની દવા રૂ. ૧૨૦૦માં વેચીને મોટો નફો કરતી હતી. જો કોઈ ગ્રાહક ઓર્ડર રદ કરે કે ફરિયાદ કરે તો આરોપીઓ તેમને પોલીસ કેસ કરવાની અને અંગત માહિતી જાહેર કરીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરતા હતા.
આપણ વાંચો: વેકેશન પૂરું! ગીરમાં સિંહ દર્શન એક અઠવાડિયું વહેલા શરૂ થશે, જાણો શું છે કારણ?