
રાજકોટ: અમદાવાદમાં વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટમાં પણ ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવી હતી અને એકાદ મહિલા પૂર્વે શહેરની ભીસ્તીવાડ વિસ્તારમાં પ્રધુમનનગર પોલીસ મથકની ટીમ પર હુમલો કરનારા તેમજ ગુજસીટોક, મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલ આરોપી માજીદ ભાણું અને ઇશોભા ઉર્ફે ઇશો રીઝવાનભાઇ દલના ઘરે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતભરમાંથી 7612 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર, હવે થશે બુલડોઝર કાર્યવાહી
રાજકોટમાં ૭૫૬ ગુનેગારોની યાદી તૈયાર
વસ્ત્રાલની ઘટના બાદ રાજ્યનાં પોલીસ વડા દ્વારા રાજ્યમાં ગુનામાં સંડોવાયેલા કે અસામાજિક તત્વોની યાદી તૈયારી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને તે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા ડીજીપીના આદેશથી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ૭૫૬ ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટનાં અતિ સંવેદનશીલ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
ગેરકાયદે મકાન પર બુલડોઝર
રાજકોટ શહેર પોલીસ દ્વારા ડીસીપી ઝોન ૨ જગદીશ બાંગરવા તેમજ એસીપી પશ્ચિમ વિભાગ રાધિકા ભારાઈ તેમજ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફ અને એસઓજી પોલીસ ટીમની હાજરીમાં કુખ્યાત આરોપી માજીદ રફીકભાઇ ભાણુના અને ઇશોભા ઉર્ફે ઇશો રીઝવાનભાઇ દલના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.