રાજકોટ

રાજકોટમાં પદ્મશ્રી જગદીશ ત્રિવેદીના જીવનચરિત્ર પર આધારીત અંગ્રેજી પુસ્તકનું ભવ્ય લોકાર્પણ…

રાજકોટઃ જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી (Dr. Jagdish Trivedi) ના સંઘર્ષમય જીવનચરિત્ર પર નિશ્ચલ સંઘવી (Nischal Sanghavi) દ્વારા લખાયેલા અંગ્રેજી પુસ્તક Extraordinary Story of an Ordinary Man નું આજે રાજકોટ (Rajkot) ખાતે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે એટલે કે તારીખ 11/05/2052ને રવિવાર સવારે હેમુ ગઢવી હોલ (Hemu gadhv hall) રાજકોટ ખાતે પુસ્તકના ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ડૉ. શરદ ઠાકર, જય વસાવડા, સાંઈરામ દવે, સુભાષ ભટ્ટ અને આરજે દેવકી ખાસ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

જગદીશ ત્રિવેદીની જગા ઝેરોક્ષ વાળાથી લઈને પદ્મશ્રી સુધીની સફર
પાંચેય વક્તાઓએ જગદીશ ત્રિવેદીના જીવનના ઉતાર ચડાવ વચ્ચે તેમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને જગા ઝેરોક્ષ વાળાથી લઈ અને પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદી સુધીની સફર વિશે મજેદાર વાતો કરી હતી. જગદીશ ત્રિવેદીએ ટ્રિપલ પીએચડી કરેલી છે. એટલું જ નહીં પરંતુ ડૉ. જગદીશ ત્રિવેદીએ અત્યારે સુધીમાં 75થી વધુ પુસ્તકો લખ્યાં છે, જ્યારે 3500થી વધુ કાર્યક્રમો પણ કર્યાં છે. ડૉ. જગદીશ ત્રિવેદી આરોગ્ય અને શિક્ષણક્ષેત્રે સાડાઆઠ કરોડ રૂ​પિયા જેટલું દાન આપી ચૂક્યા છે.

પુસ્તકના લોકાર્પણમાં કેટલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં?
આ કાર્યક્રમમાં જ્વલંત છાયા, હેડલાઇન્સ ન્યુઝનાં તંત્રી જગદીશ મહેતા, સાંજ સમાચારના પીઢ પત્રકાર જયંત પીઠડીયા, અકીલાના પત્રકાર તુષાર ભટ્ટ , દેવેન્દ્ર જાની તેમજ ડો. ભદ્રાયુ વછરાજાની, રાજુ યાજ્ઞિક, ભરત ત્રિવેદી , હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક મિલન ત્રિવેદી, ગુણવંત ચુડાસમા, ચંદ્રેશ ગઢવી, તરૂણ કાટબામણા, સંજુ વાળા, સુનિલ જાદવ સહીત અનેક સાહિત્યકારો, કલાકારો તેમજ સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત રાજકોટ રેન્જના ડીઆઈજી અશોકકુમાર યાદવ, યુબીક સોલ્યુશન પ્રા. લિ. ના એમ.ડી. ઈલેશ ખખ્ખર, ફાલ્કન પંપ પ્રા. લિ. ના કમલનયન સોજીત્રા, રાજ બેંક પરિવારના કમલભાઈ ધામી તેમજ અગ્રગણ્ય ઉદ્યોગપતિ વિક્રમભાઈ સંઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન હાસ્યકલાકાર ડો. અવની વ્યાસે કર્યું હતું.

આપણ વાંચો : પિતાશ્રીના અવસાનના સમાચાર મળ્યા પછી કલાકારે બે કલાક સુધી પ્રેક્ષકોને હસાવ્યા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button