
રાજકોટ: ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષની સૌરાષ્ટ્રની મુલાકાતને લઈને રાજકોટના રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ભારે તેજ થયું છે. ગઈકાલે સૌરાષ્ટ્ર ઝોન સંગઠનની એક મહત્વની બેઠકનું આયોજન રાજકોટ સ્થિત ભાજપ શહેર કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બી.એલ. સંતોષ ઉપરાંત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિત સંગઠનના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.
સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને શહેરના અધ્યક્ષો તેમજ મહામંત્રીઓને આ બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકનો મુખ્ય એજન્ડા SIR ની કામગીરી, સ્વદેશી અભિયાન ને પ્રોત્સાહન અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરવાનો હતો.
સંગઠનાત્મક બેઠક પહેલાં, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષે સ્વર્ગસ્થ પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી. સ્થાનિક અહેવાલો મુજબ, સંતોષે અંજલિબેન રૂપાણી (પૂર્વ CMના પત્ની) અને પુત્ર ઋષભ રૂપાણી સાથે લગભગ ૨૫ મિનિટ સુધી બેઠક કરી હતી. આ મુલાકાતને લઈને સંગઠનમાં અંજલિબેન રૂપાણીને ફરીથી સક્રિય કરવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
મુલાકાત બાદ અંજલિબેને મીડિયાને જણાવ્યું હતું કે, “સાહેબને ગુજરી ગયાને છ મહિના થયા છે અને સંતોષજી પહેલીવાર મળવા આવ્યા છે. તેઓ અમારા સંગઠનના નેતા છે. સાહેબે સંગઠન માટે જે કામ કર્યું છે તેનાથી તેઓ પરિચિત છે, તેથી તેઓ સદ્ભાવના મુલાકાત માટે આવ્યા હતા.” રાજકારણમાં સક્રિય થવા અંગેના સવાલ પર તેમણે જણાવ્યું હતું કે, “અમે પક્ષના કાર્યકર છીએ, પક્ષ જે દિશા નિર્દેશ કરશે તે અમે કરીશું; આ માત્ર એક સદ્ભાવના મુલાકાત હતી.”
આ મુલાકાત દરમિયાન એક મહત્વનો મુદ્દો ધ્યાન ખેંચનારો રહ્યો હતો. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, જેઓ શરૂઆતમાં રૂપાણીના નિવાસસ્થાને ગયા હતા, તેઓ અંજલિબેન રૂપાણી સાથેની મીટિંગ દરમિયાન ગેરહાજર રહ્યા હતા. સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ, પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અંતિમ યાત્રાના ખર્ચને લઈને શહેર સંગઠન અને રૂપાણી પરિવાર વચ્ચેના વિવાદને પગલે તેમને મુલાકાતમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. આ ઘટનાએ રાજકોટના સ્થાનિક રાજકારણમાં ચાલી રહેલા આંતરિક મતભેદોને ફરી એકવાર સપાટી પર લાવી દીધા છે.
અંજલિબેન રૂપાણી સાથેની મુલાકાત બાદ બી.એલ. સંતોષે ‘કમલમ’ ખાતેની સંગઠનાત્મક બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્રના તમામ સંગઠન હોદ્દેદારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સજ્જ કરવાનો અને પક્ષના પાયાના કામને વધુ મજબૂત કરવાનો હતો. બી.એલ. સંતોષે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આગામી સમયમાં પક્ષ દ્વારા સોંપવામાં આવેલા SIR અને સ્વદેશી અભિયાન જેવા લક્ષ્યોને સમયસર અને અસરકારક રીતે પૂર્ણ કરવા.
આ પણ વાંચો…રાજકોટમાં વિજય રૂપાણીને યાદ કરી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે શું કહ્યું?



