રાજકોટમાં ભાજપના સાંસદની ઓફિસ જ ફાયર NOC વિહોણી: ફાયર વિભાગે ફટકારી નોટિસ

રાજકોટ: અગ્નિકાંડ બાદ અનેક શાળાઓ, દુકાનો, કોમ્પલેક્ષ સહિત અનેક સ્થળોએ ફાયર સેફટીની સુવિધાના અભાવે સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે આ દરમિયાન રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની કંપની મારુતિ કુરિયરના કોર્પોરેટ હાઉસમાં ગયા મહિને આગ લાગવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ તપાસ કરતાં ઓફિસમાં ફાયર NOC ન હોવાનું સામે આવતા મનપાના ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.
રાજકોટમાં TRP ગેમ ઝોન ખાતે સર્જાયેલ અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગર પાલિકાએ ફાયર એન.ઓ.સી. મામલે નોટિસો ફટકારી બિલ્ડીંગો, ગોડાઉનો સીલ કરવાની કાર્યવાહી કરી હતી. ત્યારે રાજકોટના યાજ્ઞિક રોડ પર મારૂતિ કુરિયરના કોર્પોરેટ હાઉસને પણ નોટિસ ફટકારવામાં આવી છે. આ ઓફિસ રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાની છે અને અહી આ ઓફિસમાં તેઓ પોતે પણ બેસે છે ત્યાં જ ફાયર NOC ન હોવાનું સામે આવતા મનપાના ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નિયમ અનુસાર કોમર્શિયલ કોમ્પ્લેક્ષની 9 મીટરથી વધુ ઊંચાઈ હોય તો ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી ફરજીયાત હોય છે. પરંતુ મારુતિ કુરિયરની ઓફિસમાં ફાયર સિસ્ટમ ન હોવાથી ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસ મળ્યાના એક અઠવાડિયાની અંદર ફાયર સિસ્ટમ અંગે કાર્યવાહી કરવામાં ન આવે તો બિલ્ડીંગ સીલ કરવાની કાર્યવાહી કરવા સુધીની જોગવાઇ છે.
જો કે જુલાઈ મહિના દરમિયાન યાજ્ઞિક રોડ પર આવેલ મારુતિ કુરિયરના ઓફિસમાં એક પાર્સલની અંદર આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગ ત્યાંનાં કર્મચારીઓ દ્વારા અગ્નિશામક સાધનો વડે બુઝાવી દેવામાં આવી હતી પરંતુ ફાયર કોલ મળતા ફાયર વિભાગની એક ગાડી પણ મોકલવામાં આવી હતી. ત્યારબાદ તપાસ કરતા ત્યાં ફાયર NOC ન હોવાનું સામે આવ્યું હતું. આથી ફાયર NOC ન હોવાનું સામે આવતા ફાયર વિભાગ દ્વારા તેમને નોટિસ પાઠવવામાં આવી છે.