
ઉપલેટા: રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં પોલીસે એક હાઇપ્રોફાઇલ જુગારના અખાડા પર દરોડો પાડી મોટી સફળતા મેળવી છે. ભાયાવદરના પડવલા ગામે પોલીસે દરોડો પાડીને ભાજપના નેતા અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન જેન્તીભાઇ ઉર્ફે જેનો મોહનભાઇ બરોચીયાના નિવાસસ્થાનેથી જુગારધામ ઝડપ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂ. 1,23,210/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી વિગતો અનુસાર, પડવલા ગામે પોલીસે બાતમીના આધારે એક મકાનમાં ચાલતા હાઇપ્રોફાઇલ જુગારના અખાડા પર દરોડો પાડી મોટી સફળતા મેળવી છે. હીંગળાજ માતાજીના મંદિર પાસે આવેલા જેન્તીભાઇ ઉર્ફે જેનો મોહનભાઇ બરોચીયાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.
પોલીસ સ્ટાફ દરોડો પાડીને ‘રમી’ નામનો જુગાર રમતા જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. ભાજપના નેતા અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન જેન્તીભાઇ બરોચીયા પોતે જ આ જુગારનો અખાડો ચલાવતો હોવાનું અને નાલ ઉઘરાવતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ. 1,03,210/- ની રોકડ રકમ, રૂ. 20,000 ની કિંમતના બે મોબાઈલ ફોન, પ્લાસ્ટિકના ટોકન અને જુગાર રમવા માટેનું ગોળ ટેબલ મળી કુલ રૂ. 1,23,210/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસની રેઇડ દરમિયાન રૂમના પાછળના દરવાજેથી કાસમ સુલેમાન ઘુઘા (રહે. સેવક દેવરીયા) અને હરસુખભાઈ કાનાભાઇ મહિડા (રહે. ખીરસરા) નામના બે શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મકાન માલિક જેન્તીભાઇ બરોચીયા અને હિતેશભાઈ મનસુખભાઈ જોષી (રહે. જામજોધપુર) નો સમાવેશ થાય છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે સ્થળ પરથી હિતેશભાઈ જોષીની વિધિવત ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી જેન્તીભાઇ બરોચીયા સીનિયર સિટીઝન હોવાથી અને ગુનો 3 વર્ષથી ઓછી સજાને પાત્ર હોવાથી હાલ તેમની અટકાયત કરવામાં આવી નથી. નાસી છૂટેલા અન્ય બે આરોપીઓને પકડવા માટે ભાયાવદર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો…જુગારના અડ્ડા પર રેઇડ પાડવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો



