10 લાખ રૂપિયામાં લેતા હતા હત્યાની સોપારી; રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 2 ને ઝડપ્યા…

રાજકોટ: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરતની કુખ્યાત ગેંગના 2 સોપારી કિલરને ઝડપી પાડયા છે. બંને આરોપી અગાઉ બે હત્યા તેમજ એટીએમ ચોરી જેવી ઘટનાને અંજામ આપી ચૂક્યા છે. આરોપીઓ મફાભાઈ પટેલ મર્ડર કેસ અને લીમડી મર્ડર કેસમાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બંને આરોપી ઘણા સમયથી ફરાર હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ બંને આરોપીને ઝડપવામાં સફળ રહી છે.
Also read : Gujarat માં મહેસૂલી સુધારાના પ્રયાસો, 18 હજાર ગામોમાં જમીન રી-સર્વેની કામગીરી પૂર્ણ
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે લીમડી મર્ડર કેસનાં આરોપી રાજકોટ ખાતે આવેલા છે. પોલીસને મળેલી બાતમીનાં આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન તેમણે શહેરનાં હનુમાનમઢી પાસેથી હત્યા, ATM ચોરી સહિતના ગુનામાં સંડોવાયેલા બંને આરોપીને પિસ્ટલ સાથે ઝડપી લીધા હતા.
આ અંગે પોલીસે વિગતો આપતા કહ્યું હતું કે લીંબડીના ધર્મેશ ઉર્ફે કાળુ અંબારામ ઝેઝરીયા અને મહારાષ્ટ્રના સમાધાન ઉર્ફે અધિકાર આનંદસીંગ ગીરાસની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને આરોપી લીંબડીમાં વર્ષ 2021માં હત્યામાં, 2023 માં બનાસકાંઠામાં મફાભાઈ પટેલ મર્ડર, ભરૂચ જિલ્લામાં અને નંદુરબારમાં બંને આરોપીએ મળી ATMમાંથી ચોરી સહિતના અનેક ગુનામાં આરોપીઓની સંડોવણી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
Also read : સુરતમાં આર્થિક સંકડામણમાં વધુ એક પરિવારે કર્યો સામુહિક આપઘાત
સુરતની કુખ્યાત ગેંગના સભ્ય
પોલીસનાં જણાવ્યા અનુસાર આ બને આરોપી સુરતની અનિલ કાઠી ગેંગનાં સભ્ય છે. આ ગેંગનું મુખ્ય કામ સોપારી કિલિંગનું છે. આ ગેંગ 10 લાખ રૂપિયામાં હત્યા સહિત અલગ અલગ ગુનાહિત પ્રવૃત્તિની સોપારી લે છે. આ બંને આરોપી રાજકોટમાં કામ ધંધો મળી રહે અને પોલીસની નજરથી બચી શકાય તે માટે રાજકોટ આવ્યા હતા, પરંતુ આ અંગેની બાતમી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને મળતા બંનેની ધરપકડ કરી હતી.