લોકમેળામાં રાઇડ્સને લઈને છેલ્લી વાર થશે હરાજી અન્યથા તંત્રની નજર આ વિકલ્પો પર….

રાજકોટ: રાજકોટમાં સાતમ-આઠમ પર યોજાતા લોકમેળાને લઈને રાઇડ્સધારકો અને તંત્ર પોતપોતાની માંગને લઈને આમને સામને આવી ચૂક્યા છે. તંત્ર દ્વારા યોજાયેલી હરાજીથી રાઇડ્સધારકો અળગા રહેતા આ કોકડું વધુ ગૂંચવાયું છે. રાઇડ્સધારકો સતત SOPના કડક કેદાઓની સામે બાંધછોડ આપવાની માંગ કરી રહ્યું છે. જો કે હવે તંત્ર અંતિમ વખત હરાજી યોજવા જઈ રહ્યું છે અન્યથા તેઓ અન્ય વિકલ્પો પર ચર્ચા કરશે તેવું જણાવવામાં આવ્યું છે.
અગ્નિકાંડને લઈને લોકમેળામાં આ વખતે સલામતીને ધ્યાને લઈને થોડા નિયમો વધુ કડક કરાયા છે અને 44 નિયમો સાથેની SOP બનાવવામાં આવી છે. જન્માષ્ટમીને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે રાજકોટ લોકમેળાને લઈને હજુ કોઇ ચિત્ર સ્પષ્ટ થયું નથી. છેલ્લા અઠવાડિયે તંત્ર દ્વારા રાઇડસના પ્લોટ અને આઇસ્ક્રિમના ચોકઠાની હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટના લોકમેળામાં રાઇડસની મજા માણવા મળશે કે નહિ ?
જો કે હરાજીમાં રાઇડ્સધારકો SOPમાં બાંધછોડ કરવા માટેની માંગને લઈને અળગા રહ્યા હતા. આ સાથે જ જો મેળામાં રાઇડ્સ ન હોય તો આ મેળામાં ખૂબ જ ઓછા લોકો આવશે અને આથી ધંધો નહિ થાય તેવા ડરથી આઇસક્રીમ ના ધંધાર્થીઓએ પણ ડિપોઝિટ પરત લેવાની માંગ કરી હતી. રાઇડ્સ ધારકોએ SOPના નિયમોમાં થોડી બાંધછોડ કરવાની ઓફર આપી ચૂક્યા છે પરંતુ તંત્ર આ મામલે કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વિના જ સરકારની SOPનું પાલન કરવા માટે મક્કમ છે.
આ મામલે હવે તંત્ર હવે સોમવારે સાંજે છેલ્લીવાર યાંત્રિક રાઇડસના 31 પ્લોટ, આઇસ્ક્રિમના 16 ચોકઠા અને ખાણી-પીણીના 3 સ્ટોલ માટે હરાજી કરવાનું છે. આ હરાજીમાં પણ જો રાઇડ્સધારકો અળગા રહેશે તો તંત્ર અન્ય વિકલ્પોનો વિચાર કરી રહ્યા હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આઇસક્રીમના જે વેપારીઓ હરાજીમાં ભાગ લેવા નથી માંગતા તેમને તંત્ર દ્વારા ડિપોઝિટ પરત કરી દેવામાં આવશે. આ દરમિયાન સૂત્રો પાસેથી વિગતો મળી છે કે જો વેપારીઓ SOPના પાલન સાથે તૈયાર નહિ થાય તો કંપનીઓ સાથે વાટાઘાટો કરવામાં આવી છે અને અંતે તેમને પ્લોટ ફાળવી દેવામાં આવશે.