ફિલ્મોને પણ ટક્કર મારે તેવા દ્રશ્યો, રાજકોટમાં SUVએ કર્યો યુવતીનો પીછો, જુઓ Video
શું ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે? રાજકોટમાં ધોળા દિવસે યુવતી સાથે છેડતી

રાજકોટઃ સમાચારની શરૂઆત એક પ્રશ્નથી કે શું ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે? રાત્રેની વાત તો દૂર રહી પરંતુ શું દિવસે મહિલાઓ જાહેરમાં ફરી શકે છે? આ પ્રશ્ન એટલા માટે છે, કારણ કે રાજકોટમાં એક યુવતી સાથે ધોળા દિવસે જાહેર રસ્તા પર છેડતી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાજકોટમાં જાહેર રસ્તા પર એક યુવતીની છેડતી કરવામાં આવી છે. આ ઘટના શહેરના એસ્ટ્રોન ચોક નજીક બની હતી, જ્યાં એક કાર ચાલકે યુવતી સાથે અભદ્ર વર્તન કર્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો સવાલ કરી રહ્યાં છે કે, શું ગુજરાતમાં, રાજકોટમાં મહિલાઓ સુરક્ષિત છે?
કાર ચાલકની રોમિયોગીરીની હરકતોનો સોશિયલ મીડિયામાં વાયરલ
ઘટનાની વાત કરવામાં આવે તો, યુવતી અને યુવક સાથે સ્કૂટર પર જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી એક કાળા રંગની કાર તેમનો પીછો કરી રહી હતી. પહેલો પીછો કર્યો અને બાદમાં કાર ચાલકે યુવતીની છેડતી કરવાનું શરૂ કરી દીધું હતું. કાર ચાલકની રોમિયોગીરીની હરકતોનો યુવતીએ વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને લોકો કાર ચાલક સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે: રાજકોટ પોલીસ
રાજકોટ પોલીસને આ સમગ્ર ઘટના અંગે જાણ થઈ ત્યારે રાજકોટ એ ડિવિઝન પોલીસે કાર્યવાહી શરૂ કરીને આરોપીને શોધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ અત્યારે વાયરલ થયેલા વીડિયોના આધારે કાર અને કાર ચાલકને શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે, જો કોઈને આ ઘટના અંગે કોઈ માહિતી હોય તો પોલીસને જાણ કરે’.
રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતને પણ કલંકિત કરતી ઘટના
રાજકોટમાં જાહેર રસ્તા પર યુવતીની છેડતીની આ ઘટનાએ લઈને લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. લોકો અત્યારે કાયદો અને વ્યવસ્થા પર પણ શંકા કરી રહ્યાં છે. આમ તો ગુજરાતમાં મહિલા સુરક્ષાની વાતો થાય છે! પરંતુ આ આ ઘટના માત્ર રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતને પણ કલંકિત કરતી ઘટના છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પોલીસ એક દાખલો બેસાડે જેના કારણ ભવિષ્યમાં કોઈ આવી રીતે મહિલાઓની છેડતી ના કરી શકે.