રાજકોટમાં ડેન્ગ્યુથી વધુ એક મોત, પરિણીતાએ રસ્તામાં જ દમ તોડ્યો

રાજકોટઃ ગુજરાતભરમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મચ્છરોનો ત્રાસ વધ્યો છે. ત્યારે રાજકોટમાં કોઠારીયા ગામ વિસ્તારમાં રહેતી પરિણીતા ડેન્ગ્યુની બીમારીમાં સપડાતા એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું.
રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર આરોગ્ય લક્ષી કામગીરી હાથ ધરવા છતાં તાવ અને ડેન્ગ્યુ સહિતની બીમારીના કેસ વધી રહ્યાં છે. જેમાં રાજકોટમાં કોઠારીયા ગામે આવેલા ભવાની ચોક પાસે રહેતી નયના મોલીયા (ઉ.વ.35)નામની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરિવાર દ્વારા પરિણીતાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
રસ્તામાં જ મોત નિપજ્યુ:
હોસ્પિટલમાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવતી હતી. ત્યારે નયનાબેન મોલીયાએ રસ્તામાં જ દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. આ ઘટના અંગે જાણ થતા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોચી નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.