અમિત ખૂંટ આપઘાત કેસ: સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી, અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલી વધી | મુંબઈ સમાચાર
રાજકોટ

અમિત ખૂંટ આપઘાત કેસ: સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી, અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલી વધી

રાજકોટઃ રીબડામાં અમિત દામજીભાઇ ખૂંટ આત્મહત્યા કેસમાં ગૃહ વિભાગ તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (પીપી) અને આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવામાં આવી હતી. સ્પેશિયલ પીપી તરીકે ચેતન શાહ અને આસિસ્ટન્ટ પીપી તરીકે હિરેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા તેમ જ મકરાણી સહિતના વ્યક્તિઓ ફરાર છે. તાજેતરમાં સેશન્સ કોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી રદ કરી હતી. તો સાથે જ પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને મળેલી સજા માફીનો હુકમ હાઈ કોર્ટે રદ કરી એક મહિનામાં જેલમાં સરેન્ડર કરવા હુકમ કર્યો હતો.

ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે. પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે. સરકારી વકીલની દલીલો ધ્યાનમાં લઈને કોર્ટે 19 ઓગસ્ટે આ નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો: અમિત ખૂંટ કેસમાં મોટો વળાંક, જયરાજસિંહના માણસો ખોટા નિવેદન આપવા દબાણ કર્યું હોવાનું સગીરાનું જજ સમક્ષ નિવેદન

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની 19 ઓગસ્ટે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ પહેલાં કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી. ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત ખૂંટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે 3 મેના રોજ રાજકોટ શહેરમાં મોડેલિંગક્ષેત્રે કાર્યરત 17 વર્ષીય સગીરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ 5 મે, 2025એ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી મૃતકની સુસાઈડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું છે કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી હતી. ઉલ્લેખનીય છે કે મૃતક અમિત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હતો.

આ પણ વાંચો: અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાએ અરજી પરત ખેંચી…

2022ની વિધાનસભા ચૂંટણી સમયથી રીબડા(અનિરુદ્ધસિંહ જાડેજા) અને ગોંડલ જૂથ(જયરાજસિંહ જાડેજા) સામ સામે છે. આ બે બાહુબલીઓના વર્ચસ્વની લડાઈમાં એક યુવકને જીવ ગુમાવવો પડ્યો હતો. મૃતક અમિત ખૂંટ પર 2022ની ચૂંટણી બાદ હુમલો થયો હતો ત્યારથી લઇ અત્યારસુધી આ વિવાદ ચાલતો હતો, જેમાં જમીન વિવાદ અને હનીટ્રેપનાં તત્ત્વો ઉમેરાયાં અને અમિત ખૂંટે જિંદગી ટૂંકાવવાનો વારો આવ્યો હતો.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button