ખેડૂતોની માંગો નહીં સંતોષાય તો 2 મહિનામાં સિંહાસન ડગાવવાનો અમિત ચાવડાએ હુંકાર કર્યો

રાજકોટ: ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ બુધવારે ભૂપેન્દ્ર પટેલ સરકારને બે મહિનાનું અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે ચેતવણી આપી કે જો ખેડૂતોની માંગો પૂરી નહીં થાય, નેપાળ જેવી ક્રાંતિ કરીશું. રાજકોટમાં એક સભાને સંબોધતા ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને ભ્રષ્ટાચાર, અહંકાર અને ખેડૂતોના દર્દ પ્રત્યે ઉદાસીનતાનો આરોપ લગાવ્યો હતો.
અમિત ચાવડાએ ખેડૂતોની કથિત ઉપેક્ષા બદલ રાજ્ય સરકાર પર ગુજરાતનું પેટ ભરનારા હાથોથી મોં ફેરવી લેવાનો આરોપ મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું કે, જો સરકાર બે મહિનાની અંદર ખેડૂતોની ફરિયાદોનું નિરાકરણ નહીં લાવે તો કૉંગ્રેસ ગુજરાતભરના ગ્રામજનોને એકઠા કરીને ગાંધીનગરમાં વિધાનસભાનો ઘેરાવ કરશે અને ન્યાય ન મળે ત્યાં સુધી અવિરત આંદોલન ચલાવશે.
જો સરકાર ખેડૂતોના હિતમાં કામ નહીં કરે, તો અમે અમારી તમામ બેઠકો છોડી દઈશું, પણ અમારો સંઘર્ષ નહીં છોડીએ. લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે અને જો વધુ દબાણ કરશો તો અમે ‘નેપાળવાળી’ કરીશું અને આ વખતે સિંહાસન ટકશે નહીં.
આપણ વાચો: ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાના હાથમાં! તુષાર ચૌધરી વિરોધ પક્ષના નેતા બન્યા…
ચાવડાએ તાજેતરના કેબિનેટ ફેરબદલ પર આકરા પ્રહારો કર્યા હતા. ભ્રષ્ટાચાર છુપાવવા માટેનું બહાનું હોવાનું આરોપ લગાવી તેમણે કહ્યું, આખી ટીમ જ ભ્રષ્ટ હતી તેથી હટાવવામાં આવ્યા હતા. ભાજપમાં જમીન અને લોકો સાથે જોડાયેલા પ્રમાણિક નેતાઓને બાજુ પર મૂકવામાં આવે છે. જેમના શાસનકાળમાં દારૂ, જુગાર અને ગુંડાગીરી વધે છે, તેમને પ્રમોશન મળે છે તેમ પણ કહ્યું હતું.



