19 કરોડની ઉચાપતના કેસમાં સહકારી મંડળીના પ્રમુખ અલ્પેશ દોંગાની જામીન અરજી કોર્ટે ફગાવી

રાજકોટઃ રાજકોટમાં શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળીના બહાને ડિપોઝીટરોના રૂ.૧૯ કરોડની ઉચાપતના ગુનામાં પકડાયેલા પ્રમુખ અલ્પેશ ગોપાલભાઈ દોંગાની ચાર્જશીટ બાદની જામીન અરજી ખાસ અદાલત દ્વારા ફગાવી દેવામાં આવી હતી. અલ્પેશ દોંગા અને તેના સાગરીત નિલેષ ચંદુભાઈ લીંબાસીયાએ મની પ્લસ શરાફી સહકારી મંડળીની વર્ષ 2012માં સ્થાપના કરવા માટે 9 લોકોની જાણ બહાર તેમને કારોબારી સભ્યો દર્શાવી કરોડો રૂપિયાની થાપણ મેળવી ઉચાપત કરી હતી. આ કેસમાં પ્રમુખ અને મેનેજરની પોલીસ તપાસ બાદની જામીન અરજી કોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી.
આ કેસની વિગત એવી છે કે, અલ્પેશ દોંગા અને નિલેષ લીંબાસીયાએ મની પ્લસ શરાફી સહકારી મંડળી રજીસ્ટર કરાવી પોતાના સબંધીઓ અને મિત્રો પાસેથી શરૂઆતમાં રૂપિયા 11 કરોડ માસિક 1 ટકાના વ્યાજ દરે થાપણો મેળવી હતી. ત્યારબાદ સમય જતા કુલ 72 થાપણદાર પાસેથી 19 કરોડ રૂપિયાની થાપણો મેળવી હતી. સમય જતા વ્યાજવાળી થાપણો મુજબની રકમ થાપણદારોને પરત આપવા માટે આવકનુ કોઈ જ માધ્યમ ન હોવાથી થાપણદારોને વ્યાજ આપવાનુ બંધ કરવા લાગ્યા હતાં. આ રકમો સહકારી મંડળીના નામે ખેડૂતોને ઉચા વ્યાજના દરે ધીરેલા અને બદલામાં તેમની જમીનોના દસ્તાવેજ કરાવી લેવામાં આવ્યાં હતા.
આ પણ વાંચો: ગુજરાત સરકારે સહકારી સંસ્થાઓના ચેરમેન-હોદેદારોને મોંઘા વાહનોની ખરીદી પર રોક લગાવી
કાયદાની જોગવાઈ મુજબ, આ વ્યવહારો જી.પી.આઈ.ડી. કાયદા હેઠળ તથા મની લેન્ડર્સ એકટ હેઠળના ગુનાઓ બનતા હોવાથી અલ્પેશ દોંગા, નિલેશ લીંબાસીયા અને મનસુખ કરમણભાઈ ગરસોડીયા વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. મનસુખ ગરસોડીયા નાશતા ફરતા હોવાથી તેમની ધરપકડ થઈ શકી નહોતી, પરંતુ અલ્પેશ દોંગા બીજા જ દિવસે પકડાઈ જતા તેના વિરુદ્ધ પોલીસ તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
આરોપી તરફે અલ્પેશ દોંગાની રજૂઆત કરવામાં આવી હતી કે, તેમની સામેનો આ સમગ્ર કેસ દસ્તાવેજી પુરાવા ઉપર આધારીત છે. સુપ્રિમ કોર્ટના ઠરાવ્યા પ્રમાણે દસ્તાવેજી પુરાવા ઉપર આધારીત કેસમાં આરોપીને જામીન મુકત કરવા જરૂરી છે. ચાર્જશીટ બાદની જામીન અરજીમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરાએ રજૂઆત કરતા જણાવ્યું હતુ કે, હાલનો કેસ દસ્તાવેજી પુરાવા ઉપર આધારીત કહીં શકાય નહીં. કારણ કે વિશ્વાસઘાત, છેતરપિંડી અને નાણાકીય ઉચાપતનો કેસ દસ્તાવેજ ન બનાવવામાં આવ્યો હોય તો પણ સાબિત થતો હોય છે.
આ પણ વાંચો: આદિવાસીઓના જમીન સંપાદનના વળતરની ઉચાપત કરવા બદલ ચારની ધરપકડ
આ કેસમાં પ્રમુખ અલ્પેશ દોંગાએ કાયદા મુજબની કોઈ મંજૂરી મેળવ્યા વિના નાણાનું ધીરાણ કર્યું છે તથા 9 વ્યક્તિની ખોટી સહીઓ કરી સહકારી મંડળી રજીસ્ટર કરાવી છે. આ ઉપરાંત 19 કરોડ જેવી માતબર રકમ થાપણદારોને પરત ચુકવવા ઈરાદાપૂર્વક ગફલત કરી પોતાને ગેરકાનુની રીતે સમૃદ્ધ બનાવેલ છે. આરોપી અલ્પેશ દોંગાએ જાણી જોઈને, સમજી-વિચારી ગુનો આચર્યો છે. પોલીસ તપાસના અંતે અલ્પેશ દોંગા કે નિલેશ લીંબાસીયા પાસેથી કોઈપણ રકમ રીકવર થયેલ નથી, તેથી આરોપી અલ્પેશ દોંગાને જામીન ઉપર મુકત કરાવાથી થાપણદારોની કોઈ રકમ વસુલ થવા પાત્ર રહેશે નહીં.
ફોર્જરી જેવા ગંભીર ગુનામાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ હોવાથી આ આરોપીને જામીન મુક્ત કરવાથી ફરાર થઈ જાય તેવી ચોક્કસ પ્રકારે શક્યતા જણાઈ આવે છે. આ તમામ રજૂઆતોના અંતે જી.પી.આઈ.ડી. કાયદા હેઠળની ખાસ અદાલતના જજ જે.આર.શાહ દ્વારા આરોપી અલ્પેશ ગોપાલભાઈ દોંગાની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરી હતી.