રાજકોટના એરપોર્ટ પર કાર્ગો સેવાને મંજૂરી આપતા 10,000થી વધુ વેપારીઓને ફાયદો થશે | મુંબઈ સમાચાર

રાજકોટના એરપોર્ટ પર કાર્ગો સેવાને મંજૂરી આપતા 10,000થી વધુ વેપારીઓને ફાયદો થશે

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સેવા શરૂ થવાથી સૌરાષ્ટ્રના વેપારીઓએ અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે

રાજકોટઃ હિરાસર એરપોર્ટને કેન્દ્ર સરકારના એવિએશન ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્ગો સર્વિસ શરૂ કરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી હતી. જેના કારણે રાજકોટ અને સૌરાષ્ટ્રના વેપારીઓને મોટો ફાયદો થશે. વેપારીઓ પોતાનો માલ સામાન કાર્ગો સર્વિસ મારફતે વિદેશ સહિત દેશના અન્ય ભાગોમાં મોકલી શકશે. અત્યાર સધી રાજકોટના વેપારીઓને હવાઈ કાર્ગો માટે અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું, પરંતુ હવે હિરાસર એરપોર્ટ પર જ આ સુવિધા ઉપલબ્ધ થવાથી સમય અને નાણાં બંનેની બચત થશે.

કાર્ગો સેવાથી 10,000થી વધુ વેપારીને થશે લાભ

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ સુવિધા શરૂ થવાથી સૌરાષ્ટ્રના 10 હજાર કરતાં વધારે વેપારીઓને લાભ થશે. વેપારીઓ 100 કિલોથી લઈને 1 ટન સુધીનો માલ-સામાન કાર્ગો સર્વિસ મારફત મોકલી શકશે. એમાં ઈમિટેશન અને ગોલ્ડ જ્વેલરીને ખૂબ જ મોટો ફાયદો થશે. આ ઉપરાંત પ્લાસ્ટિક પાર્ટ જે સેમ્પલ તરીકે વેપારીઓ વિદેશમાં મોકલતા હોય છે એમાં પણ ફાયદો થશે.

આપણ વાંચો:  અમદાવાદમાં રાહદારીઓ માટે SG હાઇવે પર 5 નવા ફૂટઓવર બ્રિજ બનશે: હાઈ કોર્ટના નિર્દેશ બાદ AMCનો નિર્ણય

કાર્ગો સેવાનું ભાડું કેટલું હશે?

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના એમએસએમઈ ઉદ્યોગ તેમજ મોરબીના ટાઇલ્સ ઉદ્યોગને આ સેવાથી ફાયદો થશે. આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે કાર્ગો સર્વિસનું ભાડું કેટલું રાખવામાં આવે છે એના પર તમામ પ્રકારની નિર્ભરતા રહેશે. જો વેપારીઓને અમદાવાદથી કાર્ગો મારફત માલ-સામાન મોકલવામાં ફાયદો થતો હશે, એટલે કે ઓછાં નાણાં ચૂકવવા પડતાં હોય તો વેપારીઓ રાજકોટને બદલે અમદાવાદથી માલ-સામાન મોકલશે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button