ચોપડા પૂજન માટે દુકાને ગયેલા વેપારીના મકાનના ત્રણેય માળ ખંખેરાયા, તસ્કરો ૪૦ લાખથી વધુની માલમત્તા લઈને ફરાર

રાજકોટ: રંગીલા રાજકોટમાં તસ્કરોએ દિવાળીના તહેવારનો લાભ લઈને લાખોની ચોરીને અંજામ આપ્યો હતો. રાજકોટના ભક્તિનગર સોસાયટી વિસ્તારમાં રહેતા અને પેલેસ રોડ પર જ્વેલર્સની દુકાન ધરાવતા એક સોની વેપારીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દિવાળીના તહેવાર નિમિત્તે વેપારી પરિવાર ચોપડા પૂજન માટે દુકાને ગયો હતો, તે સમયનો લાભ લઈ તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભક્તિનગર સોસાયટીમાં રહેતા દિશાંતભાઈ જયેશભાઈ રાણપરા (ઉ.વ. ૩૦)એ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પેલેસ રોડ પર ‘ઘડામણ ધ ફાઇન ક્રાફ્ટીંગ’ નામથી જ્વેલર્સની દુકાન ચલાવે છે. ગતરોજ, તા. ૨૦/૧૦/૨૦૨૫ ના રોજ દિવાળીના તહેવાર નિમિત્તે તેમના પરિવારના સભ્યો રાત્રે ૭:૩૦ વાગ્યાની આસપાસ દુકાને ચોપડા પૂજનની વિધિ માટે ગયા હતા અને ઘરના તમામ દરવાજાને તાળા મારી દીધા હતા.
રાત્રે આશરે ૧૧:૩૦ વાગ્યે ચોપડા પૂજન પૂરું થતાં પરિવાર ઘરે પરત ફર્યો હતો. દિશાંતભાઈની માતાએ ઘરમાં પ્રવેશતા જ જોયું કે નીચેના હોલમાં પ્લાસ્ટિકની કોથળીઓ વેરવિખેર હાલતમાં પડી હતી અને પાછળનો દરવાજો ખુલ્લો હતો. પરિવાર તરત જ ઉપરના માળે ગયો. તપાસ કરતાં જણાયું કે મકાનના જુદા જુદા રૂમમાં રાખેલા કબાટ અને તિજોરીના ખાના ખુલ્લા હતા. તસ્કરોએ મકાનના ત્રણેય માળ પરના રૂમનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો, અને દિશાંતભાઈના રૂમમાં લાકડાના કબાટનું નાનું ખાનું તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો.
પરિવારે ઘરમાં તપાસ કરતા જાણવા મળ્યું કે જુદી જુદી જગ્યાએ રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ છે. તસ્કરો કુલ ૪૦ લાખ ૩૦ હજાર રૂપિયાની માલમત્તાની ચોરી કરી ગયા છે, જેમાં મંગળસૂત્ર, બુટ્ટી, બ્રેસલેટ, નેકલેસ સેટ, બંગડી, વીંટી, સહિતના ૫૭૨ ગ્રામ સોનાના દાગીના જેની કિંમત આશરે રૂ.૨૯,૫૦,૦૦૦ તેમજ રૂ.૨,૮૦,૦૦૦ કિંમતના ચાંદીના દાગીના તેમજ રૂ.૮,૦૦,૦૦૦ ની રોકડની ચોરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. અજાણ્યા તસ્કરો કુલ રૂ. ૪૦,૩૦,૦૦૦ની મતાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ફરિયાદીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
આપણ વાંચો: અમદાવાદમાં પત્નિને સહકર્મચારી સાથે જોઈને ઉશ્કેરાયેલા યુવકે હત્યા કરી નાંખી