રાજકોટમાં આજી રિવરફ્રન્ટ માટે જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન માટે 1350 મિલકત ધારકોને નોટિસ

રાજકોટ: મહત્વાકાંક્ષી ‘આજી રિવરફ્રન્ટ‘ પ્રોજેક્ટને ગતિ આપવા માટે તંત્ર દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પરના દબાણો હટાવવાની કામગીરી તેજ કરવામાં આવી હતી. આજી નદીના કાંઠે આવેલી આશરે રૂ. 400 કરોડની કિંમતી જમીન પર વર્ષો જુના 1350 જેટલા મકાન અને દુકાન ધારકોને વહીવટી તંત્ર દ્વારા મિલકતો ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી.
આ પ્રોજેક્ટ સાબરમતી રિવરફ્રન્ટની તર્જ પર વિકસાવવાનું આયોજન હોવાથી નદી કિનારાની જમીન ખુલ્લી કરાવવી અનિવાર્ય બની છે, જેના ભાગરૂપે આ આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આપણ વાચો: રાજકોટ મહાપાલિકાના જનરલ બોર્ડમાં તડા-ફડી, મેયરનું ત..ત..ફ..ફ.. : વિપક્ષની ભાજપ પર ‘નાગચૂડ’
આ દબાણો હટાવવાની પ્રક્રિયાના ભાગરૂપે ગત 29 થી 31 ડિસેમ્બર દરમિયાન પ્રથમ હિયરિંગ યોજાયા બાદ, 8 જાન્યુઆરીથી બિજા તબક્કાનું હિયરિંગ શરૂ કરવામાં આવ્યું હતુ.
આ સુનાવણીને પગલે પૂર્વ મામલતદાર કચેરી ખાતે વહેલી સવારથી જ અસરગ્રસ્તોની લાંબી કતારો જોવા મળી હતી. મોટી સંખ્યામાં રહીશો પોતાના ઘર અને દુકાનના અસ્તિત્વના પુરાવા જેવા કે લાઈટ બિલ અને વેરા બિલ લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા. આગામી દિવસોમાં આ હિયરિંગ પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા દબાણ હટાવવાની અંતિમ કામગીરી શરૂ કરવામાં આવશે તેવી શક્યતા છે.



